યુવાપેઢીને નશા અને તમાકુના સેવનથી બહાર લાવવા અને જાગૃત કરવા માટે આ પ્રદર્શનનું આયોજન

કઠવાડાના ટેબલી ખાતેના લંબે હનુમાન તપોવન સેવા આશ્રમે 3થી 12 એપ્રિલ રજત જયંતિ શતાબ્દિ મહોત્સવ યોજાશે-ભાગવત કથા, હનુમાન કથાની સાથે 111 કુંડી રામયજ્ઞનું આયોજન, 200 કરોડ રામ મંત્રની આહૂતિ અપાશે.
અમદાવાદ, કઠવાડા પાસેના ટેબલી ગામ ખાતે આવેલા લંબે હનુમાન તપોવન સેવા આશ્રમના હનુમાનજીની પ્રતિમાને 100 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ શતાબ્દી મહોત્સવનું 3થી 12 એપ્રિલ સુધી આયોજન કરાયુ છે. આ રજત જયંતિ શતાબ્દી અંતર્ગત 3થી 9 એપ્રિલ ભાગવત સપ્તાહ વક્તા મહંત નિર્મોહી દાસજી મુખે કરાશે.
જેની પોથી યાત્રા નિકોલથી મંદિર સુધી 3 એપ્રિલે નીકળશે. આ સાથે 10થી 12 એપ્રિલ હનુમાન કથા વક્તા મધુસુદનદાસજી મહારાજ દ્વારા કરાશે. 10 દિવસના આ કાર્યક્રમમાં મહાત્મય કથા,પરીક્ષિત કથા, નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય, નંદ મહોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષમણી વિવાહની સાથે હનુમાન પ્રાગટ્ય ઉત્સવોની ઉજવણી કરાશે. મંગળવારે મંદિર ખાતે ભવ્ય ધર્મ ધજા આરોણ કરાયું હતું.
આ અંગે મહામંડલેશ્વર રોકડિયા બાપુએ જણાવ્યું કે, હનુમાનજીની પ્રતિમાના 100 વર્ષ પુર્ણ થતાં અને અમારી 25 વર્ષની સેવા થતાં રજત જયંતિ શતાબ્દિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવની અંદર ભાગવત સપ્તાહ અને હનુમાન કથાનું તેમજ વ્યસન મુક્તિ સહિત વિવિધ વિષયો પર પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ સાથે 200 દેવી દેવતાઓની મુર્તિ તૈયાર કરીને પ્રદર્શન કરાશે.
યુવાપેઢીને નશા અને તમાકુના સેવનથી બહાર લાવવા અને જાગૃત કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરાયું છે. મહત્ત્વનું છેકે, 111 કુંડી શ્રી રામ મહાયજ્ઞમાં 200 કરોડ રામ મંત્રનો જાપ કરીને આહુતિ આપી વર્લ્ડ રેકોર્ડ પણ કરાશે. આ કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત સાંસદ, ધારાસભ્યો સહિત રાજકીય આગેવાનો હાજર રહેશે. આ સાથે વિવિધ સમાજના આગેવાનો પણ આ મહોત્સવમાં ભાગ લેશે.
આ સાથે 4 એપ્રિલે જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા શારદાપીઠાધીશ્વર સ્વામી સદાનન્દ સરસ્વતી મહારાજ અને 10 એપ્રિલે જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ ધર્મસભાને સંબોધશે. આ મહોત્સવમાં દેશના વિવિધ મહામંડલેશ્વર, પીઠાધીશ, સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવ દરમિયાન આવનાર ભક્તો માટે ભંડારાની પણ આયોજન કરાયું છે.