KBCમાં પ્રજ્ઞાચક્ષુ હિમાની પહેલી કરોડપતિ બની
મુંબઈ, કૌન બનેગા કરોડપતિ ૧૩ને બીજા જ અઠવાડિયે શોની પહેલી કરોડપતિ મળી જશે. ૨૩ ઓગસ્ટથી શરૂ થયેલા ક્વિઝ રિયાલિટી શોના ૩૦ અને ૩૧ ઓગસ્ટે પ્રસારિત થનારા એપિસોડમાં આ સીઝનની પહેલી કરોડપતિની જાહેરાત થશે. પ્રજ્ઞાચક્ષુ કન્ટેસ્ટન્ટ હિમાની બુંદેલા ખૂબ સારી રીતે સવાલોના જવાબ આપશે અને ૧ કરોડ રૂપિયા જીતી જશે. ચેનલ દ્વારા એક પ્રોમો જાહેર કરવાામાં આવ્યો છે, જેમાં દરેક પડાવ પાર કરીને હિમાની ૧૫મા સવાલ સુધી પહોંચેલા દેખાય છે. ૧૫મા સવાલનો જવાબ સાચો હોવાથી શોના હોસ્ટ અમિતાભ બચ્ચન ઉત્સાહમાં આવી જાય છે અને એમના ખાસ અંદાજમાં કહે છે કે, ‘એક કરોડ’. આ સાંભળતા જ હિમાનીના ચહેરા પર ખુશી દેખાઈ આવે છે. પોતાના જ્ઞાનના સાગરથી ૧૫ સવાલોને સફળતાપૂર્વક પાર કર્યા બાદ હિમાની ૧૬મો સવાલ રમવા માટે તૈયાર છે.
જાે તે આ સવાલનો સાચો જવાબ આપશે તો જેકપોટની ૭ કરોડ રૂપિયાની રકમ જીતી જશે. પ્રોમોમાં જાેઈ શકો છો કે, હિમાની આત્મવિશ્વાસથી કહે છે કે, જવાબ લૉક કરી દો. “જાે નીચે પટકાઈશ તો પણ એ ભગવાનની મરજી”, હશે તેમ ૧૬મા સવાલનો જવાબ લૉક કરાવતા હિમાની અમિતાભ બચ્ચનને કહે છે. આ કહેતી વખતે પણ હિમાનીના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ જાેવા મળે છે.
અગાઉ પણ ચેનલ દ્વારા એક પ્રોમો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં હિમાની ૧ કરોડ રૂપિયાના સવાલ માટે રમતા જાેવા મળે છે. ૧ કરોડ રૂપિયા જીતીને હિમાનીએ ચોક્કસથી ઈતિહાસ રચ્યો છે કારણકે શો શરૂ થયાના આટલા ટૂંકાગાળામાં જે-તે સીઝનનો પહેલો કરોડપતિ મળ્યો હોય એવું અગાઉ બન્યું નથી.
જાેકે, હવે જાેવાનું એ રહેશે કે હિમાની જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપી શકે છે કે પછી જવાબ ખોટો ઠરતાં સીધા નીચે ૩,૨૦,૦૦૦ રૂપિયા પર આવી જાય છે. સામાન્ય રીતે જાેવા મળ્યું છે કે, ૧ કરોડ સુધી પહોંચેલા ખેલાડીઓને ૭ કરોડના પ્રશ્નનો સાચો જવાબ ના આવડતો હોય તો તેઓ ક્વિટ કરે છે કારણકે જેકપોટના પ્રશ્નમાં કોઈ લાઈફલાઈનનો ઉપયોગ થઈ શકતો નથી. તેથી ૧ કરોડની રકમથી સંતોષ માને છે.SSS