કેદારનાથના પગપાળા માર્ગ પર ભૂસ્ખલનઃ ૩ શ્રદ્ધાળુના મોત
(એજન્સી)રૂદ્રપ્રયાગ, ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે ઘણી વખત ભૂસ્ખલનની ઘટનાઓ બનતી હોય છે જેમાં યાત્રાધામે જઈ રહેલા શ્રદ્ધાળુઓ પણ ઘણી વખત ફસાઈ જાય છે. આજે સવારે કેદારનાથ પગપાળા માર્ગ પર ભૂસ્ખલનની Kedarnath Land sliding ઘટના બની છે જેમાં ત્રણ શ્રદ્ધાળુઓના દબાઈ જવાથી મોત થયા છે અને લગભગ પાંચને ઈજા થઈ છે. અહીં બચાવકાર્ય માટે એસડીઆરએફની ટીમ દોડી આવી હતી.
રવિવારે અહીં પહાડો પર ભૂસ્ખલન થતાં કાટમાળ અને મોટા મોટા પથ્થરો પડવાથી ૬ શ્રદ્ધાળુઓ દટાઈ ગયા હતા. જેમાંથી ૩ના મૃતદેહ મળી આવ્યા છે. અન્ય ૩ની હાલત છે અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં જે લોકોના બોડી મળી આવ્યા તેમની ઓળખ થઈ શકી નથી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું કે ચીરબાસા નજીક પર્વત પરથી કાટમાળ અને ભારે પથ્થરો ધસી આવવાની માહિતી મળી હતી.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને રવિવારે સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે આ વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે. કેદારનાથ યાત્રા માર્ગ પર ચિરબાસા નજીક પહાડી પરથી આવતા કાટમાળ અને ભારે પથ્થરોને કારણે શ્રદ્ધાળુઓ દટાયા હોવાની માહિતી મળી હતી. ત્યાર પછી એસડીઆરએફની ટીમ આવી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસને આ મૃતદેહો સોંપવામાં આવ્યા છે.
https://x.com/i/status/1814960925964718395
ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલે મોકલવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી કેદારનાથ તરફ જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. આ દુર્ઘટના પગપાળા જવાના માર્ગ પર બની છે. ઘટના અંગે માહિતી મળતા જ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. જેમાં એનડીઆરએફ, ડીડીઆર, વાયએમએફ તંત્રની ટીમે રેસ્ક્યૂ શરુ કર્યું હતું. હાલ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે જેથી રસ્તો ખુલે અને બીજા યાત્રાળુઓ આગળ વધી શકે.
આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની છે કારણ કે પર્યાવરણની દૃષ્ટિએ આ સંવેદનશીલ વિસ્તાર છે અને ત્યાં ભારે વરસાદ પડે ત્યારે જમીન ધસી પડતી હોય છે.
ભૂસ્ખલનની જગ્યા અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે અને ત્યાં પહોંચવામાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત હવામાન પણ ખરાબ છે જેના કારણે કામગીરીને અસર થાય છે. જોકે, ભૂસ્ખલનમાં હવે કોઈ દટાયેલું હોય તેમ લાગતું નથી. આમ છતાં કાટમાળ હટાવીને ત્યાં લોકોની શોધખોળ કરવામાં આવશે. તાજેતરના દિવસોમાં ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. બે દિવસ પહેલા, મસૂરી-દહેરાદૂન હાઈવે પર ભૂસ્ખલન થયું હતું, જેના કારણે થોડા સમય માટે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી.
ચાર ધામ યાત્રા દરમિયાન રવિવારે સવારે ભક્તો કેદારનાથ મંદિર તરફ રવાના થયા હતા. દરમિયાન ફૂટપાથ પર ચિરબટીયા પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યારે ભૂસ્ખલન થતા ઘણા ભક્તો કાટમાળમાં દબાઈ ગયા હતા. આ લોકો જીવ બચાવવા ભાગી શક્યા ન હતા. જેમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને જ્યારે અન્ય ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટનાસ્થળે પહોંચેલી બચાવ અને રાહત ટીમે કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા. રેસ્ક્યુ દરમિયાન ત્રણેય મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે. તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઘાયલોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વરસાદની મોસમમાં ઉત્તરાખંડના જુદા જુદા ભાગોમાં ભૂસ્ખલનના કિસ્સાઓ સામે આવે છે. તાજેતરમાં પણ, ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓને કારણે માર્ગ જામના અહેવાલો છે.