સોનપ્રયાગથી કેદારનાથ પહોંચતા હવે 9 કલાક નહિં, રોપ-વેથી માત્ર 36 મિનીટમાં પહોંચી જવાશે

કેદારનાથ રોપ-વે યોજનાને મોદી સરકારની મંજૂરી-દરરોજ ૧૮ હજાર મુસાફરો મુસાફરી કરી શકશે- જો કે પ્રોજેક્ટ પૂરો થતાં હજૂ 2-3 વર્ષ જેટલો સમય લાગશે
(એજન્સી)દેહરાદુન, નરેન્દ્ર મોદી કેબિનેટે બુધવારે ઉત્તરાખંડને મોટી ભેટ આપી છે. કેબિનેટે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ-પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના ૧૨.૯ કિલોમીટર લાંબા રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેની કુલ કિંમત ૪,૦૮૧.૨૮ કરોડ રૂપિયા હશે.
આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે હાલમાં ૮-૯ કલાકની મુસાફરી ઘટીને ૩૬ મિનિટ થઈ જશે. આ સાથે કેન્દ્રીય કેબિનેટે પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધીના ૧૨.૪ કિલોમીટર લાંબા રોપવે પ્રોજેક્ટના વિકાસને પણ મંજૂરી આપી છે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રોપ-વે જાહેર-ખાનગી ભાગીદારીમાં વિકસાવવામાં આવશે. તેને ટ્રાઈ-કેબલ ડિટેચેબલ ગોંડોલા (૩જી) ટેક્નોલોજી પર વિકસાવવામાં આવશે. તેના નિર્માણથી દરરોજ ૧૮ હજાર મુસાફરો મુસાફરી કરી શકશે.
રોપવે પ્રોજેક્ટ કેદારનાથની મુલાકાતે આવતા યાત્રિકો માટે વરદાન સાબિત થશે. આ પ્રોજેક્ટ પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે આરામદાયક અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આનાથી ઘણો સમય બચશે.
સોનપ્રયાગથી કેદારનાથ સુધીના ૧૨.૯ કિમી લાંબા રોપવે પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેનો કુલ ખર્ચ ૪,૦૮૧.૨૮ કરોડ રૂપિયા થશે તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે જે મુસાફરીમાં હાલમાં ૮-૯ કલાકનો સમય લાગે છે તે ઘટીને ૩૬ મિનિટ થઈ જશે. તેમાં ૩૬ લોકોની બેઠક ક્ષમતા હશે.
આ સાથે કેબિનેટે પશુધન સ્વાસ્થ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમના સુધારાને મંજૂરી આપી છે. પશુ ચિકિત્સા દવાને એલએચડીસીપી યોજનામાં ઉમેરવામાં આવી છે. આ યોજના હેઠળ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬માં ૩,૮૮૦ કરોડ રૂપિયા ખચર્વામાં આવશે.
ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધીના ૧૨.૪ કિમી લાંબા રોપવે પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેને ડીબીએફઓટી (ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર) મોડ પર તૈયાર કરવામાં આવશે. તેની કુલ કિંમત ૨,૭૩૦.૧૩ કરોડ રૂપિયા હશે.
આનાથી હેમકુંડ સાહિબ આવતા યાત્રિકો અને વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાતે આવતા પ્રવાસીઓને સુવિધા મળશે. આ યોજના ગોવિંદઘાટ અને હેમકુંડ સાહિબ વચ્ચે સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે આજે પશુ આરોગ્ય અને રોગ નિવારણ માટે રૂ. ૩,૮૮૦ કરોડની યોજનાને મંજૂરી આપી છે.