આ કારણસર કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્ર ગૌતમે રાજીનામું આપ્યું
હાલમાં જ દેવી-દેવતાઓ પરના પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા, જે બાદ હંગામો મચી ગયો હતો
નવી દિલ્હી, કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે રવિવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે હાલમાં જ દેવી-દેવતાઓ પરના પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા, જેના પછી ઘણો હંગામો થયો હતો. રાજીનામાનો પત્ર ટ્વીટ કરીને તેમણે લખ્યું કે,
‘આજે મહર્ષિ વાલ્મીકિજીનો પ્રાગટ્ય દિવસ છે અને બીજી તરફ માન્યાવર કાંશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંયોગમાં આજે હું અનેક બંધનોમાંથી મુક્ત થયો છું અને આજે મારો નવો જન્મ થયો છે. હવે હું સમાજ પરના અધિકારો અને અત્યાચારની લડાઈ કોઈપણ બંધન વિના વધુ મક્કમતાથી ચાલુ રાખીશ.’
રાજેન્દ્ર પાલ ગૌતમે ધર્મ પરિવર્તન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે બૌદ્ધ ધમ્મની બાબા સાહેબે લીધેલી ૨૨ પ્રતિજ્ઞાઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને લેવડાવી હતી. જે બાદ ભારે હોબાળો થયો હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે, સીએમ અરવિંદ કેજરીવાલ રાજેન્દ્ર ગૌતમથી ખૂબ નારાજ હતા.
ભાજપે આમ આદમી પાર્ટી પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયમાં આવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ બાબા સાહેબ ડો. આંબેડકરે જ્યારે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધમ્મ અંગીકાર કર્યો હતો, ત્યારે આ શપથ તેમણે લેવડાવી હતી. આમ, રાજેન્દ્ર ગૌતમ દ્વારા લેવડાવવામાં આવેલી શપથ, તેમની નહીં પરંતુ બાબા સાહેબે લીધેલી પ્રતિજ્ઞાઓ છે.