કેરળમાં પ્રિયંકા ગાંધીના કાફલાને રોકનાર યુટ્યુબરની ધરપકડ

પોલીસની સૂચના અવગણવાને લઈને ફરિયાદ દાખલ
પોલીસ સૂત્રોના કહેવા મુજબ, આ ઘટના શનિવારે રાત્રે ૯ઃ૩૦ કલાકે મન્નુથી બાયપાસ જંક્શન પર બની હતી
કોચિન,
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના કાફલાને રોકવાના પ્રયાસ બદલ એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મન્નુથી પોલીસે આ ઘટનાના સંદર્ભમાં એલાનાડુના રહેવાસી અનીશ અબ્રાહમની ધરપકડ કરી છે અને પછી તેને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છોડવામાં આવ્યો છે. જોકે તેની કાર જપ્ત કરી લેવામાં આવી છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ, આ ઘટના શનિવારે રાત્રે ૯ઃ૩૦ કલાકે મન્નુથી બાયપાસ જંક્શન પર બની હતી.
પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાના સંસદીય મતવિસ્તાર અને મલપ્પુરમ જિલ્લાના કેટલાક કાર્યક્રમોમાં સામેલ થયા પછી વંદૂર, મલપ્પુરમથી કોચિન એરપોર્ટ તરફની યાત્રા કરી રહી હતા ત્યારે આરોપીએ તેની કાર કાફલાની સામે રોકી દીધી હતી.પોલીસ સૂત્રોએ ઉમેર્યું કે, આરોપી વાયનાડ સાંસદના પાયલટ વાહનના હોર્નથી નારાજ હતો. એક પોલીસ ટીમે અવરોધ હટાવવાનો પ્રયાસ કર્યાે હતો તો તેણે (યુટ્યુબરે) પોલીસ સામે બાથ ભીડી દીધી હતી. બાદમાં, પોલીસે આ વ્યક્તિની સામે ઇરાદાપૂર્વક કાફલામાં ઘુસવાનો, લોકોના જીવને ખતરામાં મૂકવાનો અને પોલીસની સૂચના અવગણવાને લઈને ફરિયાદ દાખલ કરી છે.