સનાતન ધર્મ પરિવારની યોજાનાર શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથાની ચાલી રહી છે તૈયારીઓ કેસરોલમાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/2312-bharuch-1.jpg)
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના કેસરોલ ગામે સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં ૫૦ માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે.જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે,ત્યારે તેના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી.
સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત ૫૦ મા શરદપૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે ૩૦ ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તથા સત્સંગ હરિકિર્તનનુ આયોજન કરાયું છે.જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જીલ્લા માંથી લાખો લોકો આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેનાર છે.
ત્યારે કેસરોલ ગામ નજીક કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જેમાં પ્રખ્યાત કથાકાર જીગ્નેશ દાદા અને ગાયક કમલેશ બારોટ વિશેષ ઉપસ્થિત રહેનાર છે,જેને લઈને કથા પ્રેમીઓમાં અને ભજન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવ નિમિત્તે રવિવારના રોજ જેના આયોજન અંગેની બેઠક સોમદાસ બાપુ અને માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજીક આગેવાન ધનજી પરમારની અધ્યક્ષતામાં મળી હતી.
આ બેઠકમાં બલદેવ આહીર,અજય રણા, નરેશ ઠક્કર,કનુ પરમાર સહિત સનાતન સંત પરિવાર, ગુરુભક્તો ઉપસ્થિત રહ્યા હતા.કેસરોલ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તથા સત્સંગ હરિકિર્તન કથામૃતનું રસપાન કરવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.