Western Times News

Gujarati News

દર્શકોએ ઊભા થઈને તાળીના ગડગડાટથી કેતકી દવે સ્વાગત કર્યું

પતિના મૃત્યુના ત્રીજા દિવસે કેતકી દવેએ નાટક ભજવ્યું

મુંબઈ,  ગુજરાતીના જાણીતા એક્ટર રસિક દવેનું ૬૫ વર્ષની ઉંમરમાં ૨૯ જુલાઈના રોજ અવસાન થયું હતું. રસિક દવે છેલ્લાં કેટલાંક વર્ષોથી કિડનીની બીમારી હતી. છેલ્લાં ૧૫-૨૦ દિવસમાં તેમની તબિયત લથડી હતી. રસિક દવેએ પોતાની બીમારી દરમિયાન ઘણીવાર પત્ની કેતકી દવેને કહ્યું હતું કે તેમને કંઈ પણ થઈ જાય, પરંતુ તે ક્યારેય પોતાનું કામ બંધ કરશે નહીં.

શો મસ્ટ ગો ઓન. પતિની આ છેલ્લી ઈચ્છાને માન આપીને કેતકી દવેએ પતિના મોતના ત્રીજા જ દિવસે મુંબઈના ઘાટકોપરના ખીચોખીચ ભરેલા હોલમાં નાટક ખેલ ખેલે ખેલૈયામાં પર્ફોર્મ કર્યું હતું.

નાટકના ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર કિરણ ભટ્ટે કહ્યું હતું, ‘નાટકના કલાકારોના ઇન્ટ્રોડક્શન દરમિયાન જ્યારે કેતકી દવેનો પરિચય આપવાનો વારો આવ્યો ત્યારે દર્શકોએ ઊભા થઈને તાળીઓના ગડગળાટ વચ્ચે તેમનું સ્વાગત કર્યું હતું. કેતકી દવેએ પણ પ્રોફેશનાલિઝ્‌મનો પરચો આપીને આ નાટકમાં અભિનય કર્યો હતો.

હેટ્‌સ ઓફ કેતકી દવે. દર્શકોએ કેતકી દવેને ઘણું જ માન આપ્યું હતું. આ નાટકનો ૩૧ જુલાઈએ ચેરિટી શો હતો. ૨, ૬ તથા ૭ તથા ઓગસ્ટે પણ આ નાટકના શો યોજાશે.’

વધુમાં કિરણ ભટ્ટે કહ્યું હતું, ‘રસિક હંમેશાં કહેતો કે મને કંઈ થાય તો પણ શો ક્યારેય કેન્સલ કરતો નહીં. આ જ વાત રસિકે કેતકીને પણ કહી હતી કે તે પણ ક્યારેય કોઈ શો કેન્સલ નહીં કરે. રસિક હંમેશાં શો મસ્ટ ગો ઓનમાં માનનારો હતો. કેતકીએ નાટકમાં સુપર્બ પર્ફોર્મન્સ આપ્યું હતું. અમે કેતકી સાથે કોઈ દુઃખની વાત કરી નહોતી. આટલું જ દર્શકોએ પણ કેતકી દવેને એ જ રીતે સપોર્ટ આપ્યો હતો.’

કિરણ ભટ્ટે કેતકી દવે અંગે વાત કરતાં કહ્યું હતું, ‘કેતકી એમ માને છે કે મારું દુઃખ માત્ર મારું છે અને તેમાં બીજા લોકો કેમ ભાગીદાર થાય. જે થયું એ થયું છે. આ વાત કેતકીને વારસામાં મળી છે. તેમના પરિવારમાં વર્ષોથી આ રીતે ચાલતું આવ્યું છે. સરિતાબેન (સરિતા જાેષી, કેતકી દવેના માતા તથા જાણીતા એક્ટ્રેસ) પણ આમ કરતાં હતાં.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.