KGFના પ્રોડ્યુસર્સ સાથે પ્રભાસે ૩ ફિલ્મ સાઈન કરી
ત્રણ પૈકીની પહેલી ફિલ્મ ‘સાલાર પાર્ટ ૨’ રિલીઝ થશે
વર્ષ ૨૦૨૬માં સાલાર ૨ આવશે તથા અન્ય બે ફિલ્મો ૨૦૨૭ અને ૨૦૨૮માં રિલીઝ થશે
મુંબઈ,રેબેલ સ્ટાર પ્રભાસના સિતારા ‘સાલાર પાર્ટ ૧- સીઝફાયર’ની સફળતા સાથે ફરી ચમકી ઊઠ્યા છે. યશ સાથે કેજીએફ સીક્વલની બે હિટ ફિલ્મો આપનારા હોમ્બલે ફિલ્મ્સ દ્વારા પ્રભાસ સાથે ત્રણ ફિલ્મોના કરાર કરવામાં આવ્યા છે. આ પૈકીની પહેલી ફિલ્મ ‘સાલાર પાર્ટ ૨- શોર્યાંગા પર્વમ’ હશે, જેને કેજીએફ ફેમ પ્રશાંત નીલ ડાયરેક્ટ કરવાના છે. હોમ્બલે ફિલ્મ્સે એક્સ પ્લેટફોર્મ પર શુક્રવારે આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યુ હતું. જેમાં જણાવાયું હતું, મેડ ઈન ઈન્ડિયા એન્ડ બિલ્ટ ટુ લાસ્ય. પ્રભાસ સાથે હોમ્બલેની ત્રણ ફિલ્મ. રેબેલ સ્ટાર પ્રભાસ સાથે ભાગીદારીમાં ત્રણ ફિલ્મો સાથે ભારતીય સિનેમાની ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો ધ્યેય છે.
આ ત્રણેય ફિલ્મોમાં અવિસ્મરણિય સિનેમેટિક એક્સપિરિયન્સ આપવામાં આવશે. સ્ટેજ તૈયાર છે અને આગળનો રસ્તો અમર્યાદિત છે. આ નવી સફરની શરૂઆત સાલાર ૨ સાથે થશે. ઉલ્લેખનીય છે કે, હોમ્બલે પ્રોડક્શન હાઉસ કન્નડનું છે. પ્રશાંત વર્માના ડાયરેક્શનમાં કેજીએફ ૧ સાથે તેને પાન ઈન્ડિયા સફળતા મળી હતી. તે પછી ‘કેજીએફ ૨’ અને ‘સાલાર પાર્ટ-૧’ને પણ ઓડિયન્સે ખૂબ પસંદ કરી હતી. ઋષભ શેટ્ટીની ‘કાંતારા’ની પ્રીક્વલ પણ હોમ્બલેના બેનર હેઠળ બની રહી છે. પ્રોડક્શન હાઉસના સ્થાપક વિજય કિરાગંડુરે જણાવ્યું હતું કે, સીમાડાની મર્યાદા વટાવી જાય તે પ્રકારની કથા કહેવામાં હોમ્બલેને વિશ્વાસ છે.
ટાઈમલેસ સિનેમા બનાવવા અને પેઢીઓ સુધી મનોરંજનની પ્રેરણા આપવાની દિશામાં આ મહત્ત્વનું પગલું છે. આ ત્રણેય પ્રોજેક્ટ પર પ્રભાસ સતત શૂટિંગ કરતો રહેશે. એક પછી એક ત્રણેય ફિલ્મો હાથ ધરાશે. ‘સાલાર પાર્ટ ૨’ ઉપરાંતની અન્ય બે ફિલ્મોની સ્ક્રિપ્ટ ફાઈનલ છે, પરંતુ તેની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ નથી. આ ત્રણેય ફિલ્મોને વર્ષ ૨૦૨૬, ૨૦૨૭ અને ૨૦૨૮માં રિલીઝ કરવાનું આયોજન છે. ત્રણ પૈકીની પહેલી ફિલ્મ ‘સાલાર પાર્ટ ૨’ રિલીઝ થશે. તેમાં પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન, શ્રૂતિ હાસન અને શ્રીયા રેડ્ડીના રોલને આગળ ધપાવવામાં આવશે. પહેલા ભાગમાં બનેલી ઘટનાઓના કારણ અને પરિણામોને દર્શાવવામાં આવશે.ss1