કેજીએફ સ્ટાર યશની વિનંતી મારો બર્થ ડે ઉજવશો નહીં
મુંબઈ, ‘કેજીએફ’નો સ્ટાર યશ હાલ પૅન ઇન્ડિયા ક્રાઇમ ડ્રામા ફિલ્મ ‘ટોક્સિક’ માટે શૂટ કરી રહ્યો છે. નવા વર્ષના પહેલા મહિને ૮ જાન્યુઆરીએ તેનો જન્મ દિવસ આવી રહ્યો છે. આપણે બધાં જ જાણીએ છીએ કે સુપર સ્ટાર્સના જન્મદિવસે તેમના ફૅન્સ કેટલા ઉત્સાહમાં આવી જાય છે.
કેટલાક ફૅન્સ તો તેમના ગમતા સુપરસ્ટારના જન્મ દિવસે વિવિધ પ્રકારના આયોજનો કરતાં હોય છે. તાજેતરમાં પ્રભાસના જન્મ દિવસે પણ તેના ફૅન્સે વીશ કરવાનો રેકોર્ડ બનાવવાનું આયોજન કર્યું હતું. બીજી તરફ પોતાના ગમતા સ્ટાર અલ્લુ અર્જુનની એક ઝલક માટે તેના ફૅન્સે કરેલી ભાગદોડ અને પછી થયેલી ઘટનાઓનો તાજો કિસ્સો છે.
ત્યારે યશ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર પોતાના ફૅન્સને વિનંતિ કરવામાં આવી છે. યશે પોતાના ફૅન્સને કહ્યું કે, “નવા વર્ષની સવાર થવાને છે, ત્યારે આ સમય થોડા પ્રતિબિંબ, પ્રતિબદ્ધતા અને નવા વહેણ સાથે આગળ વધવાનો છે.”
ગયા વર્ષે તેના જન્મ દિવસે તેનાં બેનર્સ બાંધતી વખતે એક ફૅનનાં દુઃખદ અવસાનની ઘટના તરફ આડકતરો ઇશારો કરતા યશે તેના ફૅન્સને કહ્યું કે આ સમય પ્રેમની ભાષા બદલવાનો છે, ખાસ કરીને બર્થ ડે સેલિબ્રેશન બાબતે. યશે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, “તમારા પ્રેમનો પ્રતિભાવ કોઈ મોટા દેખાવ કે ભીડ એકઠી કરીને ન થવો જોઈએ.
મારા માટે સૌથી મોટી ભેટ જ એ હશે કે તમે બધાં સુરક્ષિત રહેશો, હકારાત્મક ઉદાહરણ બની શકશો, તમારા લક્ષ્ય સિદ્ધ કરી લેશો અને ખુશીઓ ફેલાવશો.”યશે આગળ લખ્યું કે તે શૂટિંગમાં વ્યસ્ત છે અને જન્મ દિવસે તેના ઘરમાં નહીં હોય.
તેણે લખ્યું, “તમારી શુભેચ્છાઓની હૂંફ હંમેશા મારા સુધી પહોંચી જ જાય છે અને હંમેશા મારી સાથે જ રહે છે, જે મારામાં ઊર્જાનો સંચાર કરે છે અને મને પ્રેરણા આપે છે.” અંતે યશે તેના ફૅન્સને સુરક્ષિત રહેવાનો મેસેજ આપીને તેમને ૨૦૨૫ના વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.SS1MS