Western Times News

Gujarati News

પોતાની ફરજનું ઈમાનદારી પૂર્વક વહન એ જ સાચી દેશ સેવા -ખેડા જિલ્લા વિકાસ અધિકારી

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે ૭૭મા સ્વાતંત્ર પર્વ ઉજવણી કરવામાં આવી

આજરોજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા નવી જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

૭૭મા સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે દરેક નાગરિક પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરે એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે. મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત પંચ પ્રણ પૈકી દેશને વિકાસશીલ રાષ્ટ્રથી વિકસિત રાષ્ટ્ર તરફ લઈ જવાના સંકલ્પને સાકાર કરવા માટે તમામ લોકોએ ૧૦૦% પ્રયત્ન કરવો પડશે.

તેમણે ઉમેર્યું કે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા સહિતની યોજનાઓ ભારતના વિકાસ સાથે જોડાયેલ છે. ત્યારે સરકારી વિભાગોમાં ફરજ નિભાવતા લોકોની સમાજ અને દેશ માટે કામ કરવાની વિશેષ જવાબદારી ઊભી થતી હોય છે. તેમણે જિલ્લાના તમામ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઓફિસમાં કોઈ યોજનાકીય લાભ માટે આવતા અરજદારો અને લાભાર્થીઓને પ્રામાણિક પણે મદદ કરવા અનુરોધ કર્યો હતો.

સ્વાતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એચ.રબારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કમલેશ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી  ડો. ધ્રુવે, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી મનીષાબેન બારોટ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.