કન્યાશાળાના શિક્ષકોની ગંભીર બેદરકારીઃ વિદ્યાર્થિનીઓને સ્કૂલમાં મૂકી શિક્ષકો ઘરે જતા રહ્યા
ખેડા -નવાગામની કન્યાશાળામાં શિક્ષકોએ ઉતાવળમાં બેદરકારી કરી હોય વાલીઓમાં ભારે રોષ
(પ્રતિનિધિ) નડિયાદ, શિક્ષકોની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે અખબારના પાને અગાઉ ઘણી વખત શિક્ષકો ભૂલમાં શાળામાં વિદ્યાર્થીઓને મૂકીને તાળું મારી ચાલ્યા ગયા ના બનાવ બને છે
આવો જ એક બનાવ ખેડા તાલુકાના નવાગામ ખાતે આવેલી કન્યાશાળામાં બન્યો છે વિદ્યાર્થીનીઓને વર્ગખંડમાં જ રાખીને શાળાને તાળુ મારી શિક્ષકો ઘરે પલાયન થઇ જતાં વાલીઓએ હોબાળો મચાવી દીધો હતો આવી કેવી બેદરકારી?
એવા ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા જોકે હદ ત્યાં થાય છે કે બનાવના ૨૪ કલાક બાદ પણ આવી બેદરકારી દાખવનાર શિક્ષકો સામે જિલ્લા પ્રાથમિક શિક્ષા અધિકારીએ કોઇ જાતના પગલાં લીધા નથી એટલું જ નહીં બનાવની તપાસ ચાલે છે એવું રટણ કરીને મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે ત્યારે જિલ્લા કલેકટર એટલે કે જિલ્લા પંચાયતના વહીવટદાર આમ અમને દરમિયાનગીરી કરી જવાબદાર સામે પગલાં ભરે તેવી વાલી જગતની માંગ ઉઠી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના નવાગામ ખાતે કન્યા શાળા આવેલી છે. આ શાળામાં ધો. ૧ થી ૮ના વર્ગો આવેલા છે. જેમાં કુલ પાંચ શિક્ષિકાઓ ફરજ બજાવે છે. જે પૈકી શાળાના આચાર્ય ઓડિટમાં ગયા હતા. જયારે બીજા બે શિક્ષકો તાલીમમાં ગયા હતા. તેમજ અન્ય બે શિક્ષિકા ઓ શાળામાં હાજર હતા. તેમજ શાળા નિત્યક્રમ પ્રમાણે ચાલતી હતી. ધો. ૭નો વર્ગ બીજા માળે બેસાડવામાં આવે છે જેમાં ૧૭ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે
ગઈકાલે વાત કરીએ તો. સાંજે પાંચ વાગ્યા બાદ શાળા બંધ થઈ હતી . જોકે શાળાના શિક્ષકોએ તમામ વિદ્યાર્થી શાળામાંથી બહાર નીકળ્યા કે નથી તે જોઈ તપાસ્યા બાદ શાળાને તાળું મેળવવાનો હોય છે પરંતુ આ શાળાના શિક્ષકોએ પોતાની આ જવાબદારી નિભાવી નથી વહેલા જવાની ઉતાવળ હોય કે કોઇ અન્ય કારણ હોય પણ બીજા માળે અભ્યાસ કરતી બાળાઓ શૈક્ષણિક કાર્યમાં મશગુ હતા. તેઓ શાળામાં જ રહ્યા ને શાળાની શિક્ષિકાઓ શાળાને તાળુ મારીને ઘરે જતા રહ્યા હતા.
ધોરણ સાત ની બાર વર્ષની બાળાઓ ૫ઃ૦૦ વાગ્યા બાદ પણ હજી શાળા કેમ છૂટી નથી તે જોવા વર્ગમાંથી વ બહાર આવીને નીચે આવ્યા.. તો શાળાને તાળું હતું .. પ્રથમ તો વિદ્યાર્થીનીઓ ગભરાઈ ગઈ હતી બાદમાં બૂમાબૂમ કરી મુકતા આજુબાજુના લોકો આવી ગયા અને મોટું ટોળું ભેગું થઈ ગયું… શિક્ષકોની બેદરકારીને કારણે ટોળાએ હોબાળો બચાવ્યો હતો
હજી મારી પુત્રી ઘરે કેમ નથી આવી… તેવી ચિંતામાં રહેલા માવતરોને ખબર પડી કે આપણી પુત્રી તો શિક્ષિકાઓએ શાળામાં બંધ કરી દીધી છે જેથી વિદ્યાર્થીનીઓના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. તેમજ ચાવી મંગાવીને તાળુ ખોલવામાં આવ્યુ હતુ. આ બાબતની જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પણ કરવામાં આવી હતી. જેથી હવે, આ ગંભીર પ્રકારની ભૂલ સંદર્ભે કયા પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું !
દુઃખની વાત એવી છે કે ગામમાં એવી પણ ચર્ચા ચાલે છે કે શાળાના શિક્ષકોની સામે કોઇ જ પગલા ભરવામાં ના આવે તે માટેની ગતીવીધીઓ તેજ થઇ છે. તેમજ સમાધાન કરીને મામલાને આટોપી લેવાની કાર્યવાહી થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે. શું આ બાબતે તટસ્થ તપાસ કરીને કસૂરવાર સામે પગલાં લેવાશે ખરા? તે વાતની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
આ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કે, આ અંગેની માહિતી અમોને મળી છે જેથી તાત્કાલિક ધોરણે આ સમગ્ર પ્રકરણની તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અસારીને સોંપવામાં આવી છે. તેમજ તેઓની પાસે રિપોર્ટ મંગાવાયો છે. જે આવતા જ કસૂરવાર શિક્ષકોની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ તેઓએ જણાવ્યું હતુ.