Western Times News

Gujarati News

6 લાખની આવક થઇ 50 પ્રકારની રાખડીઓના વેચાણથી ખેડાના સંતરામ સખી મંડળની બહેનોને

રાખડી” – સખી મંડળની બહેનોની આવકનો સ્ત્રોત

રક્ષાબંધન નિમિત્તે રાજ્યના ૧૫થી વધુ સખી મંડળની બહેનોએ રાખડીનું નિર્માણ-વેચાણ કરીને આજીવિકા મેળવી

ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ-બહેનના પ્રેમને ઉજવવાનો તહેવાર રક્ષાબંધન પણ આ પવિત્ર મહિના દરમિયાન જ આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ભાઈની રક્ષા કરવા ઉપરાંત આ રાખડીઓ ગુજરાતની અનેક બહેનો માટે આવકનો મુખ્ય સ્ત્રોત બની છે. રક્ષાબંધન નિમિત્તે રાજ્યના ૧૫થી વધુ સખી મંડળની બહેનો અવનવી ડીઝાઇનની રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરી રહી છે અને રૂ. ૧૨ લાખથી વધુની આવક મેળવી રહી છે.

રાખડીનું ઉત્પાદન અને વેચાણ કરીને આજીવિકા મેળવવામાં ખેડા જિલ્લાનું સંતરામ સખી મંડળ ગુજરાતમાં મોખરે છે. સંતરામ સખી મંડળની ૨૫ બહેનોએ  રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાખડીઓ બનાવીને આવક મેળવી રહી છે. આ વર્ષે સંતરામ સખી મંડળની બહેનો દ્વારા ૫૦થી વધુ ડીઝાઈનની આશરે ૨ લાખથી વધુ રાખડીઓ બનાવી હતીજેના વેચાણ થકી સખી મંડળની બહેનોએ કુલ રૂ. ૬ લાખ જેટલી આવક મેળવી છે. આ ઉપરાંત અન્ય ૪૦થી વધુ બહેનો રાખડીઓનું વેચાણ કરીને છૂટક આવક મેળવી સ્વનિર્ભર બની છે.

આ સખી મંડળના પ્રમુખ મીનાબેન ડાભી ઉપરાંત અન્ય ચાર બહેનો દ્વારા રાખડી બનાવવાના કામની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ વર્ષે ફંડ ઓછુ હોવાથી સખી મંડળની બહેનો દ્વારા રાખડીઓ વેચીને માત્ર રૂ. ૧૫,૦૦૦ જેટલી આવક મેળવી હતી. ત્યારબાદરાજ્ય સરકારના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા સંતરામ સખી મંડળને રાખડીઓનું ઉત્પાદન વધારવા તેમજ વધુ મહિલાઓને રોજગારી આપવાના આશય સાથે રૂ. ૧.૫૦ લાખ કેશ ક્રેડીટ આપવામાં આવી હતી. આ કેશ ક્રેડિટના આધારે સંતરામ સખી મંડળની બહેનોનું રાખડીનું ઉત્પાદન અને આવક સતત વધતી ગઈ. પરિણામે આજે આટલા ટૂંકા સમયમાં જ સખી મંડળે રૂ. ૬ લાખની આવક મેળવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેરાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથો તથા સખીમંડળોને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા સખી મંડળની બહેનોને ફંડ અને સહાય ઉપરાંત આજીવિકાલક્ષી પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે. આ તાલીમ થકી ગુજરાતની અનેક મહિલાઓ ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે જોડાઈ છે.                               …………………………..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.