Western Times News

Gujarati News

ખેડાની શેઢી નદી બની ગાંડીતૂર બનતાં કેટલાંક ગામો સાત ફૂટ પાણીમાં ગરકાવ

(એજન્સી)ખેડા, મેઘરાજાની જોરદાર બેટીંગ બાદ એક પછી એક તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે. અનેક જગ્યાએ ધોધમાર વરસેલા બાદ ગામની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. આવા જ હાલ કંઈક ખેડા શહેર અને આજુબાજુના ગામોમાં જોવા મળી રહ્યા છે. આખું શહેર અને આજુબાજુના અનેક ગામો વરસાદી પાણીમાં ડૂબી ગયા છે.

શેઢી નદીના પાણી ફરી વળતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પણ પાણીઓના સ્તરમાં વધારો થતા લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ગામના મુખ્ય માર્ગો પર ૬ થી ૭ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે.

ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે સતત પાણીની આવક વધી રહી છે. જેના પગલે શેઢી નદી ગાંડીતૂર બનતા ચારેતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સંધાણા, હૈજરાબાદ, મોતીપુરા, જારોલા, જેવા ગામોમાં જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખેડા શહેરની વાત કરવામાં આવે તો, ધોધમાર વરસાદ બાદ ખેડામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. શહેરના રસ્તા બેટમાં ફેરવાયા છે. રસ્તા પર સતત ત્રીજા દિવસે પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે. શહેરના મુખ્ય બજારમાંથી નદીની જેમ પાણી વહી રહ્યું છે.

શહેરનું બસ સ્ટેન્ડ, નગરપાલિકા, ન્યાય મંદિર, સ્કૂલ સહિત પાણીમાં ડૂબ્યા છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણી હજુ ઓસર્યા નથી. આવી પરિસ્થિતિમાં ખેડામાં એસડીઆરએફ ટીમે ૨૫૦ થી વધુ લોકોના રેસ્ક્યુ કર્યું છે. માતર તાલુકામાં તો શેઢી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. શેઢી નદીના પાણીથી માતરનું હૈજરાબાદ ગામ બેટમાં ફેરવાયું છે.

ગામમાં ૫ થી ૭ ફૂટ પાણી ભરાયા છે. બેટમાં ફેરવાયેલા હૈજરાબાદ ગામમાં લોકોની ખૂબ દયનીય હાલત જોવા મળી રહી છે. છેલ્લા ચાર દિવસથી નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. ગામમાં પાણી ભરાઈ જવાના કારણે ત્રણ દિવસથી વીજળી પણ ગુલ છે, જેના કારણે પીવાનું પાણી ના મળતા પણ તરસવું પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.