અમદાવાદના સંસ્કારધામ કેમ્પસમાં ‘ખેલે સાણંદ – સ્પોર્ટ્સ લીગ’ શરૂ થઈ
દરેક બાળકોએ સ્પોર્ટ્સની રમતોમાં ભરપૂર ભાગ લઈને ખૂબ રમવું જોઈએ- બાળકોએ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો અને રમતના ગ્રાઉન્ડ ઉપર વધુ રમવું: મુખ્યમંત્રી
અમદાવાદના સંસ્કારધામ કેમ્પસમાં વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજીત ‘ખેલે સાણંદ – સ્પોર્ટ્સ લીગ’નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થયો છે.
‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ’ના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દરેક બાળકોએ સ્પોર્ટ્સની રમતોમાં ભરપૂર ભાગ લઈને ખૂબ રમવું જોઈએ. આ સાથે ૨૦૩૬માં ભારતમાં આયોજિત ઓલમ્પિક માટેની તૈયારીઓ પણ બાળકોએ અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ. આ અવસરે બાળકો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી શ્રી એ કહ્યું કે, વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનીઓએ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને રમતના ગ્રાઉન્ડ ઉપર વધુ રમવું જોઈએ અને પોતાની ગમતી એક રમતમાં આગળ આવવું જોઈએ.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, તાજેતરમાં જ ૫૭ હજાર કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ એક જ દિવસમાં થયું છે. આવતીકાલે વધુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે ૫૦ હજાર કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે, આમ વિકસિત ભારતનો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘મોદી ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી’ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામ ગેરંટીઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આયોજનબદ્ધ રીતે પૂરી કરવામાં આવી રહી છે. આમ, દેશના નાગરિકોને તમામ મળવાપાત્ર લાભો ઘરે ઘરે સુધી પહોંચી રહ્યાં છે.
કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહના સંસદીય વિસ્તારની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી અમિત શાહ દેશનું ધ્યાન રાખવાની સાથે-સાથે પોતાના સંસદીય વિસ્તારનું પણ એટલું જ ધ્યાન રાખી રહ્યા છે એ આપણા સૌ માટે એક પ્રેરણાદાયક છે. શ્રી અમિત શાહના સંસદીય વિસ્તારમાં સાંસદ ખેલ સ્પર્ધાનું પણ ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિત શાહના નેતૃત્વમાં દરેક સેક્ટરમાં ખુબ મોટું પરિવર્તન આવ્યું છે અને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે સ્વછતા સંદર્ભે સંવાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દરેક બાળકોએ સ્વચ્છતાને લઈને જાગૃત રહેવું જોઈએ અને કચરો હંમેશા ડસ્ટબીનમાં નાખવાનો આગ્રહ રાખવો જોઈએ. અંતમાં મુખ્યમંત્રીશ્રીએ બાળકોને સ્વચ્છતા રાખવાની અપીલ પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેલે સાણંદ – સ્પોર્ટ્સ લીગમાં સાણંદના શહેરી અને ગ્રામીણ વિસ્તારની ૬૦થી વધુ સ્કૂલના ૧૫૦૦થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ રહ્યાં છે. આ સ્પોર્ટ્સ લીગમાં ત્રણ રમતોમાં રાખવામાં આવી છે, જેમાં ખોખો, કબડ્ડી અને વોલીબોલનો સમાવેશ થાય છે.
ખેલે સાણંદ – સ્પોર્ટ્સ લીગના શુભારંભ અવસરે મુખ્યમંત્રી શ્રીએ સૌપ્રથમ કબડ્ડી અને ત્યારબાદ ખો-ખોની ટીમના દરેક બાળકો અને કોચ સાથે મુલાકાત કરી હતી અને ટોસ કરાવીને મેચનો પ્રારંભ પણ કરાવ્યો હતો.
આ અવસરે સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ , જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસ્વામી, તાલુકા વિકાસ અધિકારીશ્રી નીરજ બારોટ, સંસ્કાર ધામના ચેરમેન શ્રી ડૉ. આર. કે. શાહ, વિજય ભારત ફાઉન્ડેશનના ચેરમેન શ્રી જલજ દાણી, ડાયરેક્ટર શ્રી દુર્ગેશ અગ્રવાલ, તેમજ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.