પાલનપુરના ખેમાણા ન્યુ પાલનપુર સ્ટેશને DFCના મુખ્ય વિભાગોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું
(પ્રતિનિધિ) પાલનપુર, ભારતીય રેલવેને આધુનિક અને સુવિધા-વ્યવસ્થાથી સુદ્રઢ બનાવી રેલ્વે યાત્રાને સલામત અને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ માધ્યમથી ૮૫ હજાર કરોડથી વધારેના રેલ પ્રોજેક્ટનાં શિલાન્યાસ અને ૧૦ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સહીત અન્ય રેલ સેવાઓનાં શુભારંભ કાર્યક્રમને ખેમાણાના ન્યુ પાલનપુર સ્ટેશને ડીએફસીના મુખ્ય વિભાગોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું. સાથે વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી સંબોધનમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નજીક ખેમાણા ગામે ન્યુ પાલનપુર સ્ટેશન ઉપર માલ વાહક ટ્રેનોની અવર જવર અને સ્ટોપેજ માટે વિશેષ સુવિધાવાળું સંપૂર્ણ ડિજિટલ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આજે વર્ચ્યુઅલ લોકાર્પણ બાદ માલવાહક ગાડીઓ પોતાના સ્થળે સમયસર પહોંચે તે માટે ત્રીજી લાઈનનો ઉપયોગ કરશે અને ૧૦૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દોડવા લાગશે.
આ કાર્યક્રમમાં ખેમાણાની સી. એસ. એલ. દોશી શાળાની બાળાઓએ સુંદર ગરબા અને સ્વાગત નૃત્ય કરી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. જયારે શાળાના બાળકો દ્વારા રેલવે અકસ્માતથી બચવા જાગૃતિ લાવવા સુંદર નાટક યોજવામાં આવ્યું હતું. સાથે સાથે રેલ મંત્રાલય દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધામાં એકથી પાંચ ક્રમે આવેલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી પરબતભાઇ પટેલ, પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્યશ્રી મહેશભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર, જિલ્લા મંત્રીશ્રી અમીશપુરી ગૌસ્વામી, ઉષાબેન જોશી, જિલ્લા કિસાન મોરચા મહામંત્રીશ્રી જયેશભાઇ દવે, શહેર ભાજપ પ્રમુખશ્રી દલપતભાઈ બારોટ, પાલનપુર નગરપાલિકા પ્રમુખશ્રી ચીમનલાલ સોલંકી, ભાજપ શહેર મહામંત્રીશ્રી અતુલભાઈ જોશી, પાલનપુર માર્કેટયાર્ડના વાઇસ ચેરમેનશ્રી ભગુભાઈ કુગશીયા, જિલ્લા કારોબારી સદસ્યશ્રી મનોજકુમાર રાવલ, જિલ્લા મીડિયા કન્વીનરશ્રી રશ્મિકાન્ત મંડોરા સહીત રેલવે વિભાગના અધિકારીગણ સાથે મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.