ખેરાલુમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતઃ ૩ લોકોના મોત
(એજન્સી)મહેસાણા, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામ નજીક રિક્ષા અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત થયાના અહેવાલ છે. અકસ્માત સર્જ્યા બાદ ઈકોનો ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકોની ઓળખ અંગે તપાસ હાથ ધરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સાથે જ આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને અકસ્માત સર્જ્યા બાદ ફરાર થયેલા ઈકો કારચાલકની તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એકનું ઘટનાસ્થળે જ જ્યારે બેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય મુસાફરોને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ત્રણેય મૃતક ખેરાલુના બાળાપીરના ઠોકરવાસના એક જ પરિવારના સભ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૃતકોમાં રિક્ષાચાલકની માતા, રિક્ષાચાલક અને તેના પુત્રનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ખેરાલુના ઠાકોર પરિવારે નવી રિક્ષા લીધી હતી. રિક્ષા લઈ સાંજે સાગથરા ગામે બહેનના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ખેરાલુ-ગોરીસણા રોડ ઈકો કાર સાથે અકસ્માત સર્જાતા ગંભીર ઈજા પહોંચતા પરિવારના સભ્યોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જેમાં ૩ના મોત થયા છે. જ્યારે ૩ લોકો હજી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. બનાવને પગલે સમગ્ર ખેરાલુ પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રમેશ ઠાકોર ગઈકાલે બપોરે નવી રિક્ષા લાવ્યા હતા અને પરિવારના સભ્યોને રિક્ષામાં બેસાડીને બહેનને મળવા સાગથરા ગામે જવા નીકળ્યા હતા. આ દરમિયાન ખેરાલુ પાસે જ તેઓની રિક્ષાને અકસ્માત નડતા ૩ સભ્યોને કાળ આંબી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ૨ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ટ્રેક્ટરમાં સવાર ૧૫ જેટલા મજૂર ઘાયલ થયા હતા.