Western Times News

Gujarati News

પોલીસ વિભાગની પરીક્ષામાં શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટના વિદ્યાર્થીઓનો દબદબો

કોન્સ્ટેબલ તરીકે 70 અને ASI-PSI તરીકે 11 યુવક-યુવતીઓ ઉતિર્ણ થયાં-વર્ષ 2022માં 81 તાલીમાર્થીઓએ પરીક્ષા પાસ કરી પોલીસ વિભાગમાં નિમણૂક મેળવી

રાજકોટઃશ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટ (KDVS)માંથી તાલીમ મેળવીને પોલીસ વિભાગમાં તાજેતરમાં 81 તાલીમાર્થીઓ પસંદગી પામ્યા છે.

ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2021-22માં લેવાયેલી પીએસઆઈ-એએસઆઈ, કોન્સ્ટેબલની પરીક્ષામાં શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતભરમાં ડંકો વગાડ્યો છે.

પોલીસ વિભાગની આ પરીક્ષામાં એએસઆઈ-પીએસઆઈમાં 11 યુવક-યુવતી અને કોન્સ્ટેબલમાં 70 યુવક-યુવતી ઉતિર્ણ થયા છે. આમ આ વર્ષે ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં કુલ 81 યુવક-યુવતીએ નિમણૂક મેળવી છે. આ તમામ તાલીમાર્થીઓએ રાજકોટ સ્થિત શ્રી સરદાર પટેલ ભવનમાં ચાલતાં શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં તાલીમ મેળવી હતી.

નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષાની સઘન તૈયારી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત શારીરિક કસોટી માટે દોડ સહિતની તાલીમ પણ અહીંયાથી આપવામાં આવી હતી. સરકારી નોકરી મેળવનારા તમામ તાલીમાર્થીઓને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા છે

અને જણાવ્યું છે કે, આ યુવાનો હંમેશા સમાજ અને દેશ ઉપયોગી કાર્યો કરતાં રહે. પોલીસ વિભાગમાં પસંદગી પામેલા તમામ તાલીમાર્થીઓને ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનરશ્રીઓએ અને સમાજ શ્રેષ્ઠીઓએ અભિનંદન પાઠવ્યા છે.

પોલીસ વિભાગ ઉપરાંત ચાલુ વર્ષે સરકાર દ્વારા લેવાયેલી વિવિધ પરીક્ષાઓમાં પણ યુવક-યુવતીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. જેમાં આ વર્ષે જ હેડકલાર્કમાં 5, સિનિયર ક્લાર્કમાં 27, RMCમાં 8, ટેક્નિકલ વિભાગમાં 20, વાયરલેસ એએસઆઈ-

પીએસઆઈમાં 5, બિનસચિવાલય ક્લાર્ક તરીકે 35 તાલીમાર્થીઓ પસંદગી પામ્યા છે. આમ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 181 તાલીમાર્થીઓએ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટના માર્ગદર્શક પીઆઈશ્રી સંજયભાઈ પાદરીયાના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવીને સરકારી નોકરીનું લક્ષ્ય હાંસલ કર્યું છે.

મહત્વનું છે કે, વર્ષ 2012થી શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 475થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ સરકારી ખાતામાં નિમણૂક પામી ચૂક્યા છે. દૂર દૂરથી વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવાના સ્વપ્ન લઈને અહીં કોચિંગ ક્લાસ માટે આવે છે

અને ઝળહળતી સફળતા મેળવી સમાજ, પરિવાર અને સંસ્થાનું નામ રોશન કરી ચુક્યા છે. હજુ ભવિષ્યમાં આવનારી વિવિધ સરકારી નોકરી માટેની ભરતીના કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવવા માટે શ્રી ખોડલધામ પરિવારના વિદ્યાર્થીઓએ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટની ઓફિસે મો.નં. 74054 69239 સંપર્ક કરવા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.