Western Times News

Gujarati News

શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગની ફાઈનલમાં ભારે રોમાંચ બાદ શ્રીજી ઈલેવન ટીમ ચેમ્પિયન

ચેમ્પિયન ટીમે પુરસ્કારની 51 હજાર રૂપિયા રકમ શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં અર્પણ કરી-32 ટીમો વચ્ચે 9 દિવસ સુધી 31 મેચ રમાઈ

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની યુવા પાંખ શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા શ્રી નરેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનોનું સંગઠન મજબૂત બને, ભાઈચારો વધે અને યુવાનોના કૌશલ્યને વેગ આપવાના શુભ ઉદ્દેશથી રાજકોટ નજીક આવેલા પાળ ગામના એસજી ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી ખોડલધામ યુવા સમિતિ આયોજિત સૌપ્રથમ શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)માં ગુજરાતભરમાંથી 32 ટીમોએ ભાગ લીધો હતો. આ તમામ ટીમો વચ્ચે 9 દિવસ સુધી કુલ 31 મેચ રમાઈ હતી. જેમાં 18 મેના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં ભારે રોમાંચ અને રસાકસી બાદ શ્રીજી ઈલેવન ટીમ ચેમ્પિયન બની હતી અને ટ્રોફી પર કબ્જો કર્યો હતો.

17 મેના રોજ રમાયેલી બે સેમીફાઈનલ મેચ બાદ શ્રીજી ઈલેવન અને વિશાલ વોરિયર્સ ટીમ ફાઈનલમાં પહોંચી હતી. 18 મે ને રવિવારના રોજ સાંજે મા ખોડલની આરતી બાદ ફાઈનલ જંગ શરૂ થયો હતો. જેમાં પ્રથમ બેટિંગ કરીને વિશાલ વોરિયર્સ ટીમે 14 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા. 119 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીજી ઈલેવન ટીમની શરૂઆત નબળી થઈ હતી અને શરૂઆતની 6 વિકેટ ઓછા રનમાં પડી ગઈ હતી.

જો કે ત્યારબાદ ગૌરાંગ પટેલ અને નિકુંજ વાડોદરિયાએ સારી ભાગીદારી કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. ફાઈનલ મેચ છેલ્લા બોલ સુધી પહોંચી હતી અને છેલ્લા બોલ પર એક રન લઈને શ્રીજી ઈલેવન ટીમ 1 વિકેટે શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગમાં ચેમ્પિયન બની હતી. ફાઈનલ મેચમાં શ્રીજી ઈલેવન ટીમના નિકુંજ વાડોદરીયાએ 4 વિકેટ ઝડપી હતી અને 21 રન બનાવ્યા હતા

જેથી તેઓને મેન ઓફ ધ મેચ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જ્યારે ટુર્નામેન્ટમાં 9 વિકેટ ઝડપનાર શ્રીજી ઈલેવન ટીમના ઉર્વિશ ઠુંમરને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનથી સન્માનિત કરાયા હતા. જ્યારે ટુર્નામેન્ટમાં 215ની સ્ટ્રાઈક રેટથી 136 રન બનાવનાર વિશાલ વોરિયર્સ ટીમના કેપ્ટન નિલમ વામજાને બેસ્ટ બેટરનો એવોર્ડ અને ટુર્નામેન્ટમાં 9 વિકેટ લેનાર વિશાલ વોરિયર્સ ટીમના કિશન રામાણીને બેસ્ટ બોલરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમ શ્રીજી ઈલેવનને ટ્રોફી અને 51 હજાર રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો જ્યારે રનર્સ અપ ટીમ વિશાલ વોરિયર્સને ટ્રોફી અને 21 હજાર રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ફાઈનલમાં વિજેતા અને રનર્સ અપ ટીમને ખોડલધામનો ખેસ પહેરાવી સન્માનિત કરાયા હતા અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના માનદ મંત્રીશ્રી જીતુભાઈ વસોયા, ટ્રસ્ટીશ્રી ચિરાગભાઈ શિયાણી, ભરતભાઈ પીપળીયા, બાબુભાઈ ટોપીયા, વિજયભાઈ શિયાણી, દુષ્યંતભાઈ ટીલાળા સહિતનાઓના હસ્તે ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને ટ્રોફી અને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ફાઈનલ મેચ નિહાળવા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે શ્રી ખોડલધામ યુવા સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ચેમ્પિયન ટીમે પુરસ્કારની રકમ સંસ્થાને અર્પણ કરી

શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગમાં ચેમ્પિયન ટીમ એટલે કે શ્રીજી ઈલેવન ટીમના કેપ્ટન અશ્વિન શિંગાળા અને તમામ ખેલાડીઓએ એક સરાહનીય નિર્ણય લીધો હતો. ચેમ્પિયન બનવા બદલ મળેલા 51 હજાર રૂપિયા રોકડ પુરસ્કાર તેમણે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના નિર્માણમાં અર્પણ કર્યો હતો. ચેમ્પિયન ટીમની આ શ્રદ્ધા અને ભાવને સમગ્ર સંસ્થા અને ટ્રસ્ટીગણે પણ બિરદાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.