સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ભંગ બદલ ખોખરાનો ક્રોમા મોલ સીલ
ખોખરાના ક્રોમા મોલ સહિતના ૧૨ એકમને સીલ કરી દેવાયા-દક્ષિણ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ભંગ બદલ તંત્રએ રૂપિયા ૨૪,૨૦૦નો દંડ વસૂલ્યો
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો તેમજ પાનના ગલ્લા, ચાની કીટલી વગેરે એકમોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતા અને ડસ્ટબિન ન રાખતા એકમો વિરુદ્ધ સઘન ઝુંબેશ શરૂ કરાઈ છે,
જે અંતર્ગત દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં ક્રોમા મોલ સહિત કુલ ૧૨ એકમને નિયમના ઉલ્લંઘન બદલ સીલ કરી દેવાયા છે.
દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે ખોખરાના આવકાર હોલ પાસેના ક્રોમા મોલ, મણિનગરમાં આબાદ ડેરી પાસેના દિલાવર ટી સ્ટોલ, મણિનગરની એલ.જી.હોસ્પિટલ પાસેના ધનલક્ષ્મી સર્જિકલ, બહેરામપુરાના નાળા રોડ પરના અમૂલ પાર્લર,
દાણીલીમડાના આલીશાન રોડ પરના રજવાડી ટી સ્ટોલ, ઈન્દ્રપુરીના રાજેન્દ્રપાર્ક બ્રિજ પાસેના રાજ કોમ્પ્લેક્સના ચાઇના ટાઉન અને વસ્ત્રાલ રોડ પરના વૃંદાવન શોપિંગ સેન્ટરના અપ્સરા ડિઝાઈનર, વટવાના પુનિત ક્રોસિંંગ પાસેના અંબિકા એન્ટરપ્રાઈઝ, ઈસનપુરના બીઆરટીએસ રોડ પરના ઘોડાસર ચાર રસ્તા પાસેના પ્રજ્ઞા ઓટો ડિઝલ સર્વિસ અને ચામુંડા ઓટોમોબાઈલને તંત્રએ સીલ કર્યા છે.
ગત તા.૩ અને ૪ ઓગસ્ટના રોજ દક્ષિણ ઝોનમાં ઓલા વિવિધ રોડના મુખ્ય વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં તંત્રએ કુલ ૬.૩ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કુલ રૂ.૨૪,૨૦૦નો વહીવટીચાર્જ વસૂલ્યો હતો.
સત્તાવાળાઓએ તા.૩ ઓગસ્ટે કુલ ૨૬ એકમ તથા ૪ ઓગસ્ટે કુલ ૧૬ એકમને જાહેરમાં ન્યૂસન્સ કરવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ, સંગ્રહ અને વેચાણ કરવા બદલ વહેલી સવારે તથા દિવસ દરમિયાન સીલ કર્યા હતાં. આમ, બે દિવસમાં સમગ્ર દક્ષિણ ઝોનમાં કુલ ૪૨ એકમને તાળાં મરાયાં હતાં અને આવા એકમો પાસેથી રૂા.૯૫,૯૦૦નો વહીવટીચાર્જ વસૂલાયો હતો.