Western Times News

Gujarati News

હોસ્પિટલો હવે કાળી કમાણીનું સાધન બની ગઈ છેઃ કડક પગલાંની અસર કેટલો સમય રહેશે?

હોસ્પિટલોમાં સુરક્ષાના ઉપાયો માટે કડકમાં કડક પગલાં જરૂર ભરવા જોઈએઃ નિર્દોષોના મોત માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી જરૂરી છે

(એજન્સી) હમણા થોડા દિવસો પહેલા ખ્યાતિ હોસ્પિટલના પ્રશ્ને ભારે ઉહાપોહ થયો હતો. કેટલાક દર્દીઓને લકઝરી બસમાં બેસાડી ગામડેથી લઈ આવી તેમની એન્જિયોગ્રાફી બાદ એન્જિયોપ્લાસ્ટીની ટ્રીટમેન્ટ કરી નાખી હતી. Khyati Hospital Ahmedabad

જેના કારણે બે દર્દીઓના મોત થયા હતા અને કેટલાકનું સ્વાસ્થ્ય ખરાબે ચડયું હતું જે લોકોને હોસ્પિટલમાં લઈ આવેલા તેમના સગાઓએ ઉહાપોહ મચાવતા તંત્રએ પગલાં ભરવાનું શરૂ કર્યું હતું. આ દર્દીઓના સગાઓમાં જે બે દર્દીઓ મૃત્યુ પામ્યા તેમના વિશે તેમના સગાઓએ જણાવ્યું કે, અમારા પરિવારના એ દર્દીને નખમાયે રોગ ન હતો અને તેઓ ખેતરે પણ જતા હતા.

એકાએક આવી ગંભીર પરિસ્થિતિ સર્જાતા અમારા માથે આફતનો પહાડ તૂટી પડ્યો છે. અમારું શું થશે ? અમારો તો નોંધારાનો આધાર ગયો. આવા કાળા કકળાટ પછી ખ્યાતિ હોસ્પિટલને લગભગ તાળા વાગી ગયા હતા. અથવા તબીબી કાર્ય બંધ થઈ જતા ત્યાં સુનકાર છવાઈ ગયો હતો. હોસ્પિટલોમાં આવી બેદરકારી ચાલે તે યોગ્ય ના ગણાય. દર્દીઓના આધાર પર દવાખાના ચાલે છે અને ડોકટરોના જીવનનું ઉપાર્જન ચાલે છે.

તેમના ખર્ચા પુરા થાય છે, પણ પેલી કહેવત પ્રમાણે ‘લોભે લક્ષણ જાય’ અને ‘લોભને થોભ નહી’ તે ન્યાયે કહેવાય છે કે, ખ્યાતિના તબીબોએ વધુ કમાઈ લેવાની લાલસાએ આવી રીત અપનાવી હતી. સરકારી લાભો મેળવવા સક્ષમ દર્દીઓને તેડાવી તેમણે ઉતાવળી એન્જિયોપ્લાસ્ટી જેવી ઉચ્ચાર ક્રિયા કરી લીધી હતી. તેના પરિણામો માઠા આવ્યા હતા જેના કારણે તેમના પરિવારો ઉના આંસુડે રડી રહ્યા છે.

જીવનની આ ઘટમાળમાં ખ્યાતિ જેવી હોસ્પિટલો કયારેય ભૂલાશે નહી, ખાસ કરીને તેમણે કરેલા અખતરાના કારણે ગામડાના આ દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાનું કહેવાય છે, લોકવાયકા મુજબ એમ પણ કહેવાય છે કે આ હોસ્પિટલની સામે અગાઉ પણ ફરિયાદ થઈ હતી એ જે હોય તે પણ હમણાથી હોસ્પિટલોની બેદરકારી સામે લોકોનો અવાજ ઉઠી રહ્યો છે તે તેમની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડે છે.

આવી ઘટનાઓને રોકવી જોઈએ એમ જનતામાંથી સૂર ઉઠયો છે. લોકો ડોકટરને ભગવાન માનતા હોય છે ત્યારે તેમના દ્વારા આવા પરાક્રમ સર્જાય ત્યારે તેમની ઉપરનો વિશ્વાસ કઈ રીતે ટકશે ? તેમના પ્રત્યેનો ભરોસો તૂટી જ પડે તે ?

ખ્યાતિ અને અન્ય હોસ્પિટલો સામે ઉઠેલી ફરિયાદો પછી કાનૂની પ્રક્રિયામાં શું પરિણામ આવશે તે માટે વાટ જોવી રહી, આજે નહીં હોસ્પિટલો થતી લાપરવાની આગમાંથી ઉઠતા સવાલો વિશે વાત કરીશું. ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજની હોસ્પિટલના નવજાત માટેના કક્ષમાં આગ લાગવાથી ૧૧ નવજાત શિશુઓના મોત થવાથી સ્વાસ્થ્ય સેવાઓ સામે પ્રશ્નો ખડા થયા છે.

દેશમાં મનાવાઈ રહેલ શિશુ સપ્તાહ (૧પથી ર૧ નવેમ્બર) દરમિયાન આ ઘટનાએ ખૂબ ગંભીર સ્થિતિ ઉભી કરી છે. સૌથી મોટો સવાલ એ છે કે, આ પહેલા દેશની હોસ્પિટલોમાં સર્જાયેલ ઘટનાઓમાંથી બોધપાઠ લઈને નવજાત શિશુઓ અને બીજા દર્દીઓની સુરક્ષાને સુરક્ષિત કરવાના પગલાં કેમ ભરાતા નથી એવા સવાલો હવે ઉઠી રહ્યા છે. કોરોનાકાળમાં ગુજરાતની હોસ્પિટલોથી કેટલાયે દર્દીઓના મોતના કેસો સામે આવ્યા હતા.

તેને લઈને ર૦ર૧માં સુપ્રિમકોર્ટનો ઠપકો પણ આવ્યો હતો, છતાં કશી અસીર થઈ નહી. સર્વોચ્ચ અદાલતે તે વખતે ટિપણી કરી હતી કહ્યું હતું કે, હોસ્પિટલો હવે કમાણીના કેન્દ્ર સમાન બની ગઈ છે. ત્યાં દર્દીઓની સુવિધા તરફ હવે યોગ્ય ધ્યાન અપાતું નથી. ઝાંસીની હોસ્પિટલમાં શિશુઓના મોતની કિંમત પર સુરક્ષાના પ્રશ્ને બેદરકારી વર્તાઈ હતી.

જે શિશુઓના પ્રાણ ગયા તે કાંતો સમયથી પહેલા જન્મ્યા હતા અથવા નબળા હતા એમને ‘ઈનક્યુબેટર’માં રખાયા હતા. ગંભીર પુખ્ત દર્દીઓ માટે આઈસીયુની માફક નવજાત શિશુઓ માટે એનઆઈસીયુમાં પણ વધુ પડતી સંવેદનશીલ મશીનો વીજળીથી ચાલે છે.

એનાથી વાયરિંગ પર વિદ્યુત ભાર વધવાથી શોર્ટ સર્કિટનો ખતરો તોળાયેલો રહે છે શોર્ટ સર્કિટને જ ઝાંસીની હોસ્પિટલમાં આગ લાગી હોવા સબબ કારણ રજૂ થાય છે. અતીતના આવા અકસ્માતોને લઈને ભલામણ કરાઈ હતી કે હોસ્પિટલોમાં વીજળીના વાયરિંગની નિયમિત તપાસ થવી જોઈએ. ભલામણ પછી પણ કેટલીક હોસ્પિટલોમાં અમલ નથી થતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.