ખ્યાતિકાંડ: ચિરાગને દારૂનો જથ્થો આપનારની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી
ચિરાગ રાજપૂતની દારૂ કેસમાં ધરપકડ, કોર્ટે બે દિવસના રિમાન્ડ પર સોંપ્યો
(એજન્સી)અમદાવાદ, ખ્યાતિકાંડમાં સંડોવાયેલા હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે દારૂના કેસમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરતા આરોપીને મેટ્રો કોર્ટે બે દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે. ચિરાગ રાજપૂતને દારૂનો જથ્થો આપનારની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચિરાગ રાજપૂતના ઘરેથી પોલીસે દારૂનો આખો બાર મળી આવ્યો હતો.ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતના ઘરે પોલીસ તપાસ દરમિયાન ૫૪ દારૂની બોટલ મળી આવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન એક્ટ મુજબ અલગ ગુનો ચિરાગ રાજપૂત સામે નોંધ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ચિરાગ રાજપૂતને કોર્ટમાં જેલમાં મોકલી આપ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે પ્રોહિબિશન કેસમાં ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને મેટ્રો કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ વાય.કે. વ્યાસે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીના ઘરે તપાસ દરમિયાન ઉચ્ચ ક્વોલિટીની જુદી જુદી દારૂની ૫૪ બોટલ મળી આવી છે તે દારૂની બોટલ આરોપી ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો?,
વિદેશી દારૂનો જથ્થો લાવવામાં કયા વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?, આરોપી પાસેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળ્યો છે તો આ સિવાય બીજો કોઇ દારૂનો જથ્થો આરોપીએ છુપાવી રાખ્યો છે કે નહીં?, આરોપી પાસેથી મળેલી ૫૪ બોટલ પૈકી એક બોટલ વિદેશથી લાવવામાં આવી છે તો આ બોટલ કોણે આરોપીને આપી?, આરોપી દારૂના જથ્થામાંથી કોને કોને આપવાનો હતો,
આરોપી પાસેથી જે દારૂનો જથ્થો મળ્યો તેના પૈસા તેને ઓનલાઇન ચૂકવ્યા છે કે નહીં, આરોપીની કોલ ડિટેઇલ મેળવી દારૂના જથ્થા અંગે તપાસ કરવાની છે, આરોપી સાથે બીજુ કોણ કોણ સંડોવાયેલું છે સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીના ૧૦ દિવસના રિમાન્ડની જરૂર છે.
આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જે જાણતા હતા તે તમામ વિગત પોલીસને જણાવી દીધી છે, ૨૪ કલાકથી વધુ કસ્ટડીમાં છીએ, પોલીસ જે મુદ્દે તપાસ કરવા રિમાન્ડ માગી રહી છે તે મુદ્દે પોલીસ આરોપીની હાજરી વગર પણ તપાસ કરી શકે છે તેથી રિમાન્ડ ન આપવા જોઇએ. બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ મેટ્રો કોર્ટે ચિરાગ રાજપૂતને બે દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.