Western Times News

Gujarati News

ક્રાઇમબ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના ફરાર આરોપીઓને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી

આરોપી ડૉ.પ્રશાંત વજીરાણીએ ૪ વર્ષમાં ૭ હજાર સર્જરી કરી હોવાનો ખુલાસો થયો છે. -આરોપીએ ૪૨ દિવસમાં ૨૨૧ એન્ડજિયોગ્રાફી અને એન્જિયો-પ્લાસ્ટી કરી હતી.

ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુનો આંકડો વધ્યો છે. કડીના ૨ નહીં પણ કુલ ૫ લોકોના મૃત્યુ થયાનું ખુલ્યું છે.-અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે કરશે ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ છેલ્લા કેટલા દિવસથી વિવાદના ઘેરામાં છે. ખ્યાતિ હોસ્પિટલ કરતૂતનો એક બાદ એક ખુલાસા થયા છે. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ૨ દર્દીના મૃત્યુનો મામલે સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

આ ઉપરાંત ભાગી ગયેલા આરોપીઓની શોધખોળ કરવા પોલીસ અને ક્રાઇમબ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યો છે. હાલ ફરાર ડોકટર આરોપી સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્યમાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઇ પોલીસ કમિશ્નર જી એસ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કેસને લઇ મહત્વની બાબતો જણાવી હતી. સમગ્ર ઘટનાને લઇ તેઓએ જણાવ્યુ હતુ કે ખ્યાતિ હોસ્પિટલ કેસની દોર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. સાથે સાથે ૮ દિવસ બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી તો પોલીસે ડો. પ્રશાંત વજીરાણીની કસ્ટડી ક્રાઈમબ્રાન્ચને સોંપી દેવાઈ છે

ફરાર આરોપીઓ સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે તો ડાયરેક્ટર કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં મોજ કરે છે તો અન્ય ૪ આરોપીઓને પોલીસ હજુ સુધી નથી પકડી શકી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને તેમનો સ્ટાફ અત્યાર સુધી પાંચમાથી એક જ આરોપીને ઝડપી શકી છે તો ૪ આરોપીઓ હજી પણ ફરાર છે.

પોલીસ કમિશ્નરના જણાવ્યા મુજબ આરોપી ગુજરાતમાંથી ભાગી ગયા હોવાની આશંકા તેઓને લાગી રહી છે. જેને લઇ હાલ પોલીસ અને ક્રાઇમબ્રાન્ચ દ્વારા કામગીરીને વધારે કડક બનાવી દેવાઇ છે. ક્રાઇમબ્રાન્ચની અલગ અલગ ટીમે ફરાર આરોપીઓને ઝડપવા તપાસ શરૂ કરી છે. આરોપી ગુજરાત બહાર ભાગી ગયા હોવાની આશંકા છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.

ખ્યાતિ હોસ્પિટલના ડાયરેકટર કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. વિગતો મુજબ આરોપી ડૉ.પ્રશાંત વજીરાણીએ ૪ વર્ષમાં ૭ હજાર સર્જરી કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ ૪૨ દિવસમાં ૨૨૧ એન્ડિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી. જેમાં ઓક્ટોબર મહિનામાં ૧૬૬ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી તો નવેમ્બર મહિનામાં ૫૫ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી.

આયુષ્યમાન યોજનાનો લાભ લેવા તમામ ફાઈલ મોકલાવામાં આવી હતી. કડી તાલુકાના બોરીસણામાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજીને એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલના તબીબોએ ૧૯ દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને ૧૭ દર્દીઓને એન્જિયોગ્રાફી અને બે દર્દીઓને સ્ટેન્ટ મુકવાના ઓપરેશન કર્યા હતા. જેમાં ૨ દર્દીઓના મૃત્યુ થતાં સમગ્ર હોબાળો થયો હતો. હવે ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુનો આંકડો વધ્યો છે. કડીના ૨ નહીં પણ કુલ ૫ લોકોના મૃત્યુ થયાનું ખુલ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.