ખ્યાતિ કાંડ: અમદાવાદમાં વધુ ચાર હોસ્પિટલ બનાવવાની યોજના કાર્તિકે કરી હતી
ચિરાગ રાજપુત અને રાહુલ જૈન સમગ્ર કૌભાંડને અંજામ આપતા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં કાર્તિક પટેલે ચોંકાવનારી વિગતો આપી છે. જેમાં ક્રાઇમબ્રાંચે કેસને લગતી અન્ય માહિતી મેળવવા માટે કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત અને રાહુલ જૈનને સાથે રાખીને પુછપરછ કરી હતી.
જેમાં ખુલાસો થયો હતો કે કાર્તિક પટેલને પીએમજેએવાય દ્વારા ખ્યાતિ હોસ્પિટલમાં કરોડોની આવક થતા તેણે અમદાવાદમાં વધુ ચાર હોસ્પિટલ બનાવવાની યોજના તૈયાર કરી હતી.
ઉલ્લેખનીય છે કે કાર્તિક પટેલે ખ્યાતિ મેડીકેર નામની કંપની પણ બનાવી હતી. આ ઉપરાંત, તે ચિરાગ રાજપુતને ધંધો વધારવા માટે સતત દબાણ કરતો હતો અને હોસ્પિટલમાં ખોટ બતાવવા માટે ડમી કર્મચારીઓ બતાવીને પગાર ચુકવવામાં આવતો હતો. આમ, ખ્યાતિ કાંડ કેસમાં કાર્તિક પટેલ સંડોવણીના વધુ પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ બાદ ક્રાઇમબ્રાંચને તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી.
કાર્તિક પટેલ સમગ્ર કૌભાંડની વાકેફ હોવાનું જાણવા મળ્યું હતું અને તેની સુચના મુજબ ચિરાગ રાજપુત અને રાહુલ જૈન સમગ્ર કૌભાંડને અંજામ આપતા હતા. ત્યારે ક્રાઇમબ્રાંચના સ્ટાફે રાહુલ જૈન અને ચિરાગ રાજપુત તેમજ કાર્તિક પટેલને સાથે રાખીને પુછપરછ કરી હતી. જેમા ત્રણેય આરોપીઓએ ખ્યાતિકાંડ મામલે નવા ખુલાસા જાહેર કર્યા હતા.
જેમાં જાણવા મળ્યું હતું કે પીએમજેએવાય કૌભાંડ કરીને કરોડો રૂપિયાની આવક થતી હોવાથી કાર્તિક પટેલે અમદાવાદમાં ગોતા, સાબરમતી, નરોડા અને પૂર્વ વિસ્તારમાં નવી ચાર હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું. જે માટે કાર્તિક પટેલે ખ્યાતિ મેડીકેર નામની કંપની સ્થાપી હતી. જેમાં તે ડાયરેક્ટર તરીકે હતો. આ હોસ્પિટલ તૈયાર કરવાની તમામ જવાબદારી ચિરાગ રાજપુતને સોંપવામાં આવી હતી.
ખ્યાતિ હોસ્પિટલને નુકશાન કરતી બતાવવા માટે પણ કાર્તિક પટેલે તેની મંડળી સાથે મળીને અનેક ખોટા રસ્તા અપનાવ્યા હતા. જેમાં તેણે ચિરાગ રાજપુતના સંબધીઓને હોસ્પિટલમાં કર્મચારી તરીકે દર્શાવીને પગાર કર્યા બાદ નાણાં બારોબાર ઉઠાવી લેતા હતા. જે માટે બનાવટી અલોટમેન્ટ લેટર પણ તૈયાર કર્યા હતા.
પીએમજેએવાય દ્વારા થતી સારવારમાં સારી આવક થતા કાર્તિક પટેલે ચિરાગ રાજપુત અને રાહુલ જૈન પર સતત દબાણ વધાર્યું હતુ. આમ, ક્રાઇમબ્રાંચને ખ્યાતિ કાંડમાં અનેક મહત્વની વિગતો મળી છે.