ખ્યાતિ હોસ્પિટલે 100 લોકોને પાત્રતા વગર PM-JAY કાર્ડ બનાવી આપ્યા હતા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/Khyati-Hospital-1024x683.jpg)
પાત્રતા વગરના લોકોને PM-JAY કાર્ડ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ
અમદાવાદ, ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ મેડિકલ માફિયાઓની પોલ એક પછી એક સામે આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાત્રતા વગરના લોકોને PM-JAY કાર્ડ બનાવી આપનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ એકાદ-બે નહીં પરંતુ ત્રણ હજારથી વધુ લોકોને PM-JAY કાર્ડ બનાવી આપીને કૌભાંડ આચર્યું છે.
અમદાવાદ, ભાવનગર અને સુરતના છ લોકોએ સરકારને મોટા પાયે ચૂનો લગાવીને કૌભાંડ આચર્યું હતું. PM-JAY કાર્ડ બનાવવા માટેના કેટલાક નિયમો તેમજ ધારાધોરણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે પરંતુ કેટલાક લોકો પોતાની આવક છૂપાવીને PM-JAY કાર્ડ કઢાવી લેતા હોય છે. આ કૌભાંડમાં કેટલાક સરકારી બાબુઓની પણ સંડોવણી સામે આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચની તપાસ અનેક ઘટસ્ફોટ કરી રહી છે ત્યારે PM-JAY કાર્ડ બનાવવામાં જે લોકો પાત્રતા ધરાવતા ના હોય તેમને પણ આ યોજનાના કાર્ડ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારને મોટાપાયે ચૂનો લગાવવાના કૌભાંડનો ઘટસ્ફોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે અને છ લોકોની ધરપકડ કરી છે. તેઓ નકલી પુરાવાના આધારે અસલી PM-JAY કાર્ડ બનાવી આપતા હતા.
ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે ત્યારે તેને બાતમી મળી હતી કે અમદાવાદ, ભાવનગર અને સુરતમાં કેટલાક લોકો ખોટી આવકનું પ્રમાણપત્ર ઊભું કરીને PM-JAY કાર્ડ બનાવી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવીને છ લોકોની અટકાયત કરી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ ગેંગ દ્વારા ત્રણ હજાર લોકોને PM-JAY કાર્ડ બનાવી અપાયા હતા અને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર (જેસીપી) શરદ સિંઘલે જણાવ્યું છે કે, પાત્રતા વગરના લોકો પાસે કોઈ જ દસ્તાવેજ ન હોય અને તે રૂપિયા આપે તો પણ કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. આ છ આરોપીઓ એજન્ટ અને અન્ય લોકોની સંડોવણી પણ સામે આવે તેવી શક્યતા છે. આ લોકો PM-JAYના નકલી કાર્ડ બનાવી આપતા હતા. આ લોકો કોણ છે તે તો હાલ જાણી શકાયું નથી. પરંતુ થોડા સમયમાં જ ક્રાઈમ બ્રાન્ચ આ અંગેનો ખુલાસો કરી શકે છે.
મળતી માહિતી પ્રમાણે ભારત સરકારના રૂપિયાને બગાડવાના કરતૂત સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આ કૌભાંડ ચાલતું હોય તેવી આશંકા છે. ક્રાઈમ બ્રાન્ચ આમાં સંડોવાયેલા છ લોકોની હાલ ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે.
હાલ આ લોકો કોણ છે અને કયાંના છે તે સામે આવ્યું નથી. આ યોજના હેઠળના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે અને તેમના પર પણ તણાઈ આવી શકે છે કારણ કે તેમની સંડોવણી વગર આ કાર્ડ બની જ ન શકે. આ ઝડપાયેલા છ લોકો ગુજરાત સાથે અન્ય રાજ્યમાં પણ PM-JAY યોજના કાર્ડ બનાવી આપતા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. જો કે, પૂછપરછમાં સામે આવશે તેઓ આ કાર્ડ કોની કોની સંડોવણીથી બનાવતા હતા.
PM-JAY વિભાગમાંથી મળેલા આ ડેટાનું એનાલિસિસ કરતાં જાણવા મળ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલે PM-JAY યોજના માં એનરોલ થયા પછી એટલે કે, વર્ષ ર૦ર૧ના મે માસથી ર૦ર૪ના નવેમ્બર માસની ૧૧ તારીખ સુધીમાં (ખ્યાતિકાંડ બહાર આવ્યો ત્યાં સુધીમાં ) કુલ ૪૯૪૭ ઓપરેશન કર્યા હતા. આ તમામ ઓપરેશન PM-JAY યોજના અંતર્ગત કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
આ તમામ ઓપરેશન અંતર્ગત કુલ ર૬,૪૮,પર,૩૦૮ રૂપિયાની રકમ માટેના કલેમ સરકારમાં કરવામાં આવ્યા છે. આ કલેમ કરેલી રકમમાંથી ખ્યાતિ હોસ્પિટલને કેટલા રૂપિયા મળી ચૂકયા છે. તે જાણી શકાયું નથી પણ ખ્યાતિ હોસ્પિટલે ર૬ કરોડથી વધુ રકમના કલેમ ૪૩ મહિનામાં જ કરી નાંખ્યા હતા.