ખ્યાતિ હોસ્પિટલનો ખેલ: છ મહિનામાં સરકાર પાસેથી PMJAY હેઠળ 3.66 કરોડ લીધા
(એજન્સી)અમદાવાદ, ખ્યાતિ હોસ્પિટલનની ઘટના પર PMJAY ડાયરેક્ટર યુ.બી.ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું કે, પીએમજેવાયના રૂપિયા લેવા માટે આ પ્રકારની ઘટના બની હોવાનું સરકારને પણ ધ્યાનમાં આવ્યું છે. આ અંગે તપાસ ચાલી રહી છે અત્યારે હોસ્પિટલના તમામ રૂપિયા હોલ્ડ પર મૂકી દેવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન આ હકીકતો સામે આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આ પ્રકારની ઘટનાઓમાં આવી હોસ્પિટલો સામે પગલા ભરવામાં આવે છે. અમારી કોઈપણ જાતની મંજૂરી સાથે હોસ્પિટલે સારવાર કેમ્પ કર્યો ન હતો.
PMJAYમાં દર્દીઓ આવતા હોવાથી તેઓને વિનામૂલ્યે લઈ લાવા લઈ જવાની સગવડ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આમા PMJAYની કોઈ મંજૂરી ન હતી. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ બોરીસણા ગામ ખાતે આયોજન કરાયો હતો.
દર્દીઓને હોસ્પિટલ લઈ જઈ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એક્સ્પર્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે કે ખરેખર ઓપરેશનની જરૂર હતી કે નહિ. હોસ્પિટલના દર્દીઓના પેમેન્ટ હોલ્ડ પર મુકી દઈશું. ડોક્ટર અને હોસ્પિટલ સસ્પેન્શનના પગલા લેવાયા છે. PMJAYના નામે જોગવાઈ નથી. કેમ્પની કાર્યવાહી ન કરવા સૂચના આપીશું.
મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે છેલ્લા છ મહિનામાં સરકારમાંથી ૩ કરોડ ૬૬ લાખ ૮૭ હજાર ૧૪૩ રૂપિયા ઓઈયા કરી લીધા હોવાના પુરાવા હાથ લાગ્યા છે. ૧ જૂન-૨૦૨૪થી લઈને ૧૨ નવેમ્બર-૨૦૨૪ સુધીની વાત કરીએ તો કુલ ૬૫૦ કેસમાં ૩.૬૬ કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે.
જેમાંથી ૬૦૫ તો કાર્ડિયોલોજી કેસના જ ૨.૭૭ કરોડ લીધા છે. કુલ ૪૫ સર્જરી પેટે રાજ્ય સરકારમાંથી ૮૯.૮૭ લાખની રકમ લીધી છે. તો છેલ્લા છ મહિનામાં ૩૮૦ એન્જિયોગ્રાફી, ૨૨૦ એન્જિયોપ્લાસ્ટી અને ૩૬ બાયપાસ સર્જરી પણ છ મહિનામાં કરી છે.