ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ ડો. સંજય પટોળાયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી
અમદાવાદ, અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટી અપડેટ આવી રહ્યું છે. ડો. સંજય મૂળજીભાઇ પટોળિયાની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ કાંડમાં અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે ધરપકડથી બચવા માટે આરોપી ડો. સંજય મૂળજીભાઇ પટોળીયાએ આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી.
જેમાં ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપાલ સેશન્સ જજ કે.એમ. સોજીત્રાએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો કેસ છે, જેની તપાસ ચાલી રહી છે, સરકાર પાસેથી પૈસા મેળવવાનું સુઆયોજીત કાવતરું છે ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.
આ કેસમાં હજી બે આરોપીઓ ફરાર છે.આરોપી ડો. સંજય પટોળીયાએ પોલીસ ધરપકડથી બચવા માટે ત્રણ કેસોમાં આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી.
જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દાેષ છું, મારે આ કેસ સાથે કોઇ જ લેવા દેવા નથી, મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે, ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ.
જોકે, અરજીની સામે ખાસ સરકારી વકીલ વિજય બારોટે એવી દલીલ કરી હતી કે, આરોપીઓએ પીએમજેએવાય યોજનાનો ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે પૂર્વ આયોજીત કાવતરું રચ્યું હતું.આરોપીઓએ બોરીસણા ગામમાં કેમ્પ યોજી ૧૯ લોકોને હોસ્પિટલ લાવ્યા હતા અને બે વ્યક્તિને જરૂર ન હોવા છતા સ્ટેન્ટ મુકી દેતા મોત નિપજ્યું હતું.
આમ આરોપીની ગુનાઇત બેદરકારી છે, ડો.સંજય ખ્યાતિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેક્ટર છે. હોસ્પિટલના તમામ લાઈસન્સ ડો. સંજયે મેળવ્યા છે. આરોપીઓ દર્દીઓને બીમારી ન હોવા છતા ખોટા પુરાવા ઉભા કરી તેમના જીવન સાથે ચેડા કર્યા છે, આરોપીઓ સામે ૪૨ સાક્ષીઓના નિવેદન છે, આરોપી ડો. સંજયે વર્ષ ૨૦૧૨ ભાગીદારી નામી ડેવલપર્સ પ્રા.લી. કંપની ખરીદી હતી.
ત્યારબાદ તેમાં નામ ઉમેરવામાં આવ્યા હતા, પછી ડો. સંજયે હેતુ ફેર કરાવ્યો હતો અને ફર્મનું નામ બદલી એશીયન બેરીયાટ્રીક્સ હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું અને વર્ષ ૨૦૧૮માં મનીષ ખૈતાનને ભાગીદારીમાંથી છુટ્ટા કરવામાં આવ્યો હતો અને ભાગીદાર તરીકે સંજય પટોલીયા તથા મહેન્દ્ર નરવરીયાને ઉમેરવામાં આવ્યા હતા.SS1MS