વેપારીને ઉઠાવી રાજકોટમાં ગોંધી રખાયો: દસ્તાવેજાે ઉપર સહી કરાવાઈ
અમદાવાદ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ વી.કે. ગઢવી અને તેમની ટીમ દ્વારા ઉંઝાના વેપારીને ખોટી રીતે ગોંધી રાખીને માર માર્યો હતો. બાદમાં વેપારીની તબિયત લથડતા ખાનગી હોટલમાં લઈ જઈને ત્યાં વેપારી પાસે કોરા કાગળ તેમજ દસ્તાવેજ પર સહી કરાવીને પીઆઈ સહિતના સ્ટાફે ધાકધમકીઓ આપી હતી.
જેની ફરિયાદ વેપારીએ ડીજીપીને કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. જાેકે ભાજપના સાંસદે રાજકોટ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે ઉંઝાના વેપારીની લેખિત અરજી ગૃહવિભાગના ધ્યાને આવતા તપાસના આદેશ આપ્યા હતા જેમાં વી.કે.ગઢવી સહિત તેમની ટીમ દોષિત હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેના પગલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તત્કાલિક પીઆઈ વી.કે.ગઢવી સહિત અન્ય પોલીસકર્મીઓ સામે ગુનો નોંધીને ટૂંકસમયમાં ધરપકડ કરશે.
ઉંઝાના ઈસબગુલના વેપારી મહેશ પટેલ ર૧ જાન્યુઆરીએ સવારે પોતાની ઓફિસે આવ્યા હતા ત્યારે તેમની અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે, તમારૂ આગડીયુ બાલાજી કુરિયરમાં આવ્યુ છે તમે તે લઈ જાવ. જેથી મહેશ પટેલે ફોન કરનારને કહ્યું કે, તમે આંગડીયુ મારી ઓફીસ પહોંચતુ કરી દો.
ત્યારબાદ સાંજના ચાર વાગ્યે એક કારમાં સિવિલ ડ્રેસમાં અજાણ્યા ચાર શખ્સો તેમની ઓફિસમાં આવીને તમે મારી સાથે કારમાં ચાલો. જેથી મહેશ પટેલે કહ્યું કે તમે કોણ છો જેથી ચાર પૈકી એક શખ્સ પાસે રિવોલ્વર હતી તે બોલ્યો કે તમે અમારી સાથે ચાલો નહી તો તમે તકલીફમાં મુકાઈ જશો. એમ કહી ઉઠાવી ગયા હતા.