પોલીસની ખોટી ઓળખ આપી સબલપુરના યુવાનનું અપહરણ
યુવાનને મુક્ત કરવા રપ લાખની માંગણી કરાઈ
મહેસાણા, વડનગર તાલુકાના સબલપુરમાં મંગળવારે સાંજે પોલીસની ખોટી ઓળખ આપી દલાલ સ્ટોકનું કરતો હોવાની અરજીની તપાસના બહાના હેઠળ કેટલાક લોકો ગામના યુવાનનું અપહરણ કરી તેને છોડવવા રૂ.રપ લાખની માગણી કરતા પંથકમાં ચકચાર મચી હતી. અપહરણનો ભોગ બનેલા યુવાનના ભાઈની ફરિયાદના આધારે વડનગર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સબલપુરમાં રહેતો ર૪ વર્ષિય યુવાન જગદીશ કાન્તીજી ઠાકોર ગત મંગળવારે એક્ટિવા લઈ બપોરે ઘરેથી નીકળ્યો હતો જે સાંજ સુધી પરત ન આવતા પરિવારજનોએ આસપાસ તપાસ કરી હતી અને તેનો ફોન પણ બંધ આવતો હતો. ત્યારબાદ રાત્રે યુવાનનો સામેથી તેના ફોન પરથી પત્ની પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તેને પોલીસ પકડી ગઈ છે.
બીજા દિવસે યુવાનની પત્નીને સામેવાાળએ તેના મોબાઈલથી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, જગદીશને છોડાવવો હોય તો રૂ.રપ લાખ આપવા પડશે. વ્યવસ્થા થઈ જાય તો આ ફોન નંબર ફોન કરી જણાવજાે. આ રકમ આપવા માટે અપહરણનો ભોગ બનેલા જગદીશે પણ ઘરે ફોન પર વિનંતી કરી હતી.
આ ચર્ચા બાદ યુવાનના ભાઈ પરેશજીને અપહરણ થયાની શંકા જતા તે જગદીશની પત્ની સાથે ફરિયાદ નોંધાવવા વડનગર પોલીસ મથકે દોડી ગયા હતા. પોલીસે તેમની ફરિયાદના આધરે પોલીસની ખોટી ઓળખ આપી અજાણ્યા અપહરણકર્તાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.