આપદા મિત્રોને કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો
આપદા મિત્ર અપસ્કેલિંગ યોજના અન્વયે જિલ્લાના ૩૫૪ તાલીમાર્થીઓને ઇમરજન્સી રિસપોન્ડ કીટ આપવામાં આવી
વડોદરા જિલ્લાના લોકોની મદદ માટે આપદામિત્રો હંમેશા તત્પર : કલેકટરશ્રી અતુલ ગોર
વડોદરા, ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા આપત્તિ સમયે સ્થાનિક ક્ષમતામાં સુધારો લાવવા માટે આપદા મિત્રો માટે અપસ્કેલિંગ યોજના અમલમાં છે. જે અન્વયે આપત્તિ પ્રતિક્રિયામાં એક લાખ સ્વયંસેવકોને તાલીમ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
એન. ડી. એમ. એ. આપદામિત્ર યોજનાના સ્કેલિંગ માટે દેશના ૩૫૦ જિલ્લાઓની ઓળખ કરી છે. જેમાં ગુજરાતનાં ૧૭ જિલ્લાઓમાં વડોદરા જિલ્લાની પણ ઓળખ થઈ છે.
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ દ્વારા વડોદરા જિલ્લામાંથી કુલ ૫૦૦ આપદામિત્રો તૈયાર કરવામાં આવનાર છે.જે પૈકી ૩૫૪ આપદા મિત્રોએ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ગ્રુપ લાલબાગ ખાતે ૧૨ દિવસની તાલીમ પૂર્ણ કરી લેતા કલેકટરશ્રી એ.બી.ગોરના હસ્તે ૩૫૪ આપદા મિત્રોને ઇમરજન્સી રિસ્પોન્ડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં તાલીમાર્થીઓને તાલીમ અંગેનું પ્રમાણપત્ર, કિટ તેમજ રૂ.૧૨૦૦ /- સ્ટાઇપેન્ડ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા આપવામાં આવે છે.વડોદરા જિલ્લાના લોકોની મદદ માટે આપદામિત્રો હંમેશા તત્પર રહે છે એમ કલેકટરશ્રી અતુલ ગોરે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ ઓફીસરશ્રી બંટીશકુમાર એલ.પરમારે જણાવ્યું કે વડોદરા જિલ્લાના આપદા મિત્રોની કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે. પૂર હોય કે કોરોના મહામારી કે પછીવાવાઝોડું હોય તેઓ લોકોની સેવા માટે હંમેશા તત્પર છે.
પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકો માટે ખડેપગે હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોઈપણ દુર્ઘટના સમયે લોકોને તુરંત જ મદદ મળી રહે તે દિશામાં આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ અને હોમગાર્ડ્સ જવાનો લોકોને જોખમમાંથી બહાર લાવે છે. અને જિલ્લાના લોકોની મદદ માટે તેઓ હંમેશા તત્પર રહે છે.
આપણાં જિલ્લામાંથી વધુમાં વધૂ આપદામિત્રો તૈયાર થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને તેમણે અભિનંદન આપ્યા હતા.
એસ.આર.પી.એફ. ગ્રુપ- ૧ ના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.એસ.ચૌધરીએ જણાવ્યું હતું કે એવું કોઈ કાર્ય નથી જેમાં હોમગાર્ડ્સની જરૂર ન પડી હોય. હંમેશા તત્પર રહેવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. જિલ્લાના હોમગાર્ડ્સની કામગીરી સરાહનીય રહી છે.
આ કાર્યક્રમમાં ડીપીઓશ્રી બંટીશકુમાર એલ. પરમારે આપતકાલીન કિટની જરૂરિયાત અને ઉપયોગ વિષે સમજ આપી હતી. આ પ્રસંગે તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.