ખાનગી પાર્ટી પ્લોટમાં ઉતપન્ન થતા કિચન વેસ્ટનો નિકાલ AMCની ગાડીમાં જ કરવો પડશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સામાજિક મેળાવડા, લગ્ન, અન્ય ધાર્મિક પ્રસંગો સહિતનાં વિવિધ કાર્યક્રમો માટે નાગરિકો દ્વારા પ્રાયવેટ કૉમ્યુનિટી હૉલ, પાર્ટી પ્લોટ, ઓપન પ્લોટમાં ભાડે રાખવામાં આવતા હોય છે.
આવા એકમોમાં સામાન્ય રીતે પ્રસંગ દરમ્યાન ઉત્પન્ન થતાં નોન-કીચન વેસ્ટ અને રસોડાંના કીચન વેસ્ટનાં યોગ્ય નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાથી કચરો નજીકમાં આવેલ ખુલ્લી જગ્યાઓ, રેલ્વે લાઇન પેરેલલ પરની જગ્યાઓ, ખુલ્લા પ્લોટો કે જાહેર ફૂટપાથ પર નાખવામાં આવતો હોય છે જેના કારણે શહેરની સ્વચ્છતા પર અસર થતી હોય છે અને આવા કચરાનાં કલેક્શન અને નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર વધારાનું ભારણ આવે છે.
મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ડાયરેક્ટર વિજયભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ સ્વચ્છ ભારત મિશન 2.0 અન્વયે સ્વચ્છ સર્વેક્ષણ – 2024 ચાલી રહેલ છે. જેમાં દેશભરનાં 4800 થી વધારે શહેરોનું એસેસમેન્ટ કરવામાં આવશે. જે અંતર્ગત શહેરની ઓવરઓલ visible cleanliness વધારવા આવા પ્રાઇવેટ કૉમ્યુનિટી હૉલ, પાર્ટી પ્લોટ, ઓપન પ્લોટમાં ઉત્પન્ન થતાં કચરાનાં યોગ્ય નિકાલ માટેની કાર્યપ્રણાલી અમલમાં મુકવામાં આવશે.
પ્રાઇવેટ હૉલ, પાર્ટીપ્લોટની સફાઈ તથા કચરાનાં કલેકશન માટેની વ્યવસ્થા સબંધિત પ્રોપરાયટર, ઓર્ગેનાઇઝર, માલિક કે વપરાશકર્તાની રહેશે. નોન કીચન વેસ્ટ – સૂકો કચરો AMC નાં ડોર ટુ ડોર વાહનમાં જ નિકાલ કરવાનો રહેશે. આ ઉપરાંત કીચન વેસ્ટ માટે AMC માન્ય એજન્સી પાસે અલગથી કોન્ટ્રાક્ટ કરવાનો રહેશે અને કોઈપણ સંજોગોમાં AMC નાં વાહનોમાં કે જાહેર જગ્યાઓ પર નિકાલ કરવાનો રહેશે નહિ.
AMC દ્વારા પ્રસંગદીઠ કચરાનાં કલેકશન માટે ક્ષેત્રફળનાં આધારે (1) 500 સ્કવે મીટર સુધીનાં ક્ષેત્રફળ ધરાવતા એકમો માટે રૂપીયા 1000 (2) 500 થી 2000 સ્ક્વે.મીટર માટે રૂપીયા 2000 અને (3) 2000 સ્ક્વે.મીટર થી વધુ ક્ષેત્રફળ માટે રૂપીયા 5000 મુજબનો ચાર્જ એડવાન્સમાં વસૂલ કરવાનો નક્કી કરવામાં આવ્યો છે. જે દરેક પ્રાઇવેટ એકમોએ પ્રસંગદીઠ નિયમો અનુસાર આપવાનો રહેશે.
હૉલ, પાર્ટીપ્લોટ માટેનું સેનેટરી કન્વેયન્સ સર્ટિફિકેટ ઝોનલ / સબઝોનલ કક્ષાએથી મેળવવાનું રહેશે. જેને દર વર્ષે રીન્યુ કરવાનું રહેશે. જો કોઈ પ્રાઇવેટ હૉલ, પ્લોટોમાં કચરાનાં કલેક્શન અંગે વ્યવસ્થા કરવામાં ન આવેલ હોવાનાં કિસ્સા ધ્યાને આવતા આવા એકમો સામે દંડનીય પગલાં તરીકે વહીવટી ચાર્જ થી લઈ એકમોને સીલીંગ અને વપરાશ પરવાનગી અટકાવવા સહિતનાં પગલાંઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે.
અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર ફરીને કચરો વીણી આજીવિકા કમાતાં રેગપીકર્સની કામગીરી સરળ બનાવવાનાં ભાગરૂપે શહેરમાં આવેલા 09 જેટલાં કચરાના ટ્રાન્સપોર્ટેશન માટેનાં રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશનોની બાજુમાં મટીરીયલ રીકવરી ફેસીલીટીઓ (MRFs) કાર્યરત છે. જ્યાં આવા રેગપીકર્સ ડોર ટુ ડોર વાહનમાં આવેલાં સૂકા કચરામાંથી રીસાયકલ વેસ્ટ અલગ કરવાની કામગીરી કરતાં હોય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સવલત વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે અને સાથે-સાથે રેગપીકર્સ માટે સુરક્ષાનાં સાધનો, પીવાનાં પાણીની વ્યવસ્થા તથા અલગ ટોયલેટની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. આ 09 MRFs ઉપર રેગપીકર્સ દ્વારા સોર્ટીંગની કામગીરી મેન્યુઅલ કરવામાં આવતી હોય છે જેને વધુ કાર્યક્ષમ કરાવવાના હેતુસર
ઉત્તર ઝોનમાં આવેલાં શાયોના ખાતેની એમ.આર.એફ.ને પ્રતિ દિન 100 મેટ્રીક ટન કેપેસિટીથી સૂકા કચરાને રીસાયકલીંગ કરવા સારું મિકેનાઇઝડ કરવા અંગેની કામગીરી અને 05 વર્ષ માટેની ઓ એન્ડ એમ ધોરણે ચલાવવાની કામગીરી ટેન્ડર બહાર પાડી ટેકનીકલી ક્વોલીફાય થયેલ પ્રાઇવેટ એજન્સીને સોંપવામાં આવશે. એજન્સી દ્વારા દરરોજ સૂકા કચરામાંથી રીસાયક્લીંગ કરવાની કામગીરી સારું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રતિ મેટ્રીક ટન લેખે રૂપીયા 575 / મુજબ રોયલ્ટી ચૂકવવામાં આવશે.