Western Times News

Gujarati News

રિલાયન્સ રિટેલમાં KKR 2,069.50 કરોડ રૂ. નું રોકાણ કરશે

આરઆરવીએલમાં કેકેઆરનું વધુ એક રોકાણ બજારની તકો અને રિલાયન્સ રિટેલના બિઝનેસ મોડલમાં તેના વિશ્વાસને પુનઃ મજબૂત બનાવે છે

મુંબઈ, 11 સપ્ટેમ્બર 2023: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“આરઆરવીએલ”)એ આજે​​જાહેરાત કરી હતી કે વૈશ્વિક રોકાણ કંપની કેકેઆર તેની સહયોગી કંપની થકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની આરઆરવીએલમાં ₹ 2,069.50 કરોડનું રોકાણ કરશે. આ રોકાણમાં આરઆરવીએલની પ્રી-મની ઇક્વિટી વેલ્યૂ ₹ 8.361 લાખ કરોડ આંકવામાં આવી છે, આમ કંપની દેશની સૌથી વધુ ઇક્વિટી વેલ્યૂ ધરાવતી ટોચની ચાર કંપનીઓમાં સ્થાન મેળવે છે.

કેકેઆરને આ પુનઃરોકાણ થકી આરઆરવીએલમાં ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝીઝ પર વધારાનો 0.25% ઇક્વિટી હિસ્સો મળશે. વર્ષ 2020માં આરઆરવીએલમાં ₹5,550 કરોડના રોકાણના તેના હિસ્સા સાથે મળીને આરઆરવીએલમાં કેકેઆરનો ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝીઝ પર કુલ ઈક્વિટી હિસ્સો 1.42% સુધી થશે. વર્ષ 2020માં આરઆરવીએલ દ્વારા ₹4.21 લાખ કરોડના પ્રી-મની ઇક્વિટી મૂલ્ય પર ₹47,265 કરોડનું રોકાણ વિવિધ વૈશ્વિક રોકાણકારો પાસેથી મેળવવામાં આવ્યું હતું.

આરઆરવીએલ તેની પેટાકંપનીઓ અને સહયોગીઓ દ્વારા ગ્રોસરી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ તથા ફાર્માના ક્ષેત્રમાં 18,500થી વધુ સ્ટોર્સ અને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મના ઇન્ટિગ્રેટેડ ઓમ્નીચેનલ નેટવર્ક સાથે 267 મિલિયન લોયલ્ટી કસ્ટમર્સને સેવા આપતા ભારતના સૌથી મોટા સૌથી ઝડપથી વિકસતા અને સૌથી નફાકારક રિટેલ બિઝનેસનું સંચાલન કરે છે.

લાખો ગ્રાહકોને સેવા આપતી સમાવિષ્ટ વ્યૂહરચના દ્વારા ભારતીય રિટેલ સેક્ટરને મજબૂત બનાવવાની સાથે સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (એમએસએમઇ)ને સશક્ત બનાવવા અને વૈશ્વિક તથા સ્થાનિક કંપનીઓ સાથે પસંદગીના ભાગીદાર તરીકે નજીકથી કામ કરવું, ભારતીય સમાજને અપાર લાભ પહોંચાડવા અને લાખો ભારતીયો માટે રોજગારીનું રક્ષણ અને સર્જન કરવું એ આરઆરવીએલનું વિઝન છે. આરઆરવીએલ તેના ન્યૂ કોમર્સ બિઝનેસ થકી ત્રણ મિલિયનથી વધુ નાના અને અસંગઠિત વેપારીઓને ડિજિટાઇઝ કર્યા છે. તેના કારણે આ વેપારીઓ ટેક્નોલોજી ટૂલ્સ અને કાર્યક્ષમ સપ્લાય ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકશે જેથી તેઓ તેમના પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ પહોંચાડી શકશે.

વર્ષ 1976માં સ્થપાયેલી કેકેઆર પાસે 30 જૂન 2023 સુધીમાં તેના સંચાલન હેઠળ અંદાજે $519 બિલિયન અસ્કયામતો છે. કેકેઆર પાસે અગ્રણી વૈશ્વિક સાહસો બનાવવાનો લાંબો ઈતિહાસ છે જે કન્ઝ્યુમર રિટેલ અને ઈકોમર્સ ક્ષેત્રો સહિત ટેકનોલોજી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં મોખરે છે, તેમજ ભારતમાં અગ્રણી કોર્પોરેશનો સાથે સહયોગ સાધવાનો તેનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. આરઆરવીએલમાં કેકેઆરનું ફોલો-ઓન ઇન્વેસ્ટમેન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથેના તેના સંબંધોને આગળ વધારશે. આરઆરવીએલમાં તેના આ રોકાણ ઉપરાંત કેકેઆર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટા કંપની તથા દેશના અગ્રણી ડિજિટલ સર્વિસિઝ પ્લેટફોર્મ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં પણ રોકાણકાર છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર શ્રીમતી ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણકાર તરીકે કેકેઆર તરફથી સતત સમર્થન મળવાનો આનંદ છે. અમે કેકેઆર સાથેની અમારી ગાઢ થતી ભાગીદારીને ખૂબ મહત્વ આપીએ છીએ અને આરઆરવીએલમાં તેમના પાછલા રોકાણ પછીનું તેમનું નવીનતમ રોકાણ આરઆરવીએલની દૂરંદેશી અને ક્ષમતાઓમાં તેમના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. અમે કેકેઆર સાથેના અમારા નિરંતર સહયોગની આશા રાખીએ છીએ અને ભારતીય રિટેલ ક્ષેત્રના પરિવર્તનની અમારી સફરમાં તેમના વૈશ્વિક પ્લેટફોર્મ, ઉદ્યોગ વિશેના જ્ઞાન અને સંચાલનની કુશળતાનો લાભ મેળવવા માટે આતુર છીએ.”

કેકેઆરના કો-સીઈઓ મિસ્ટર જો બેએ જણાવ્યું હતું કે, “અમે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ સાથેના અમારા સંબંધોને વિસ્તારવા બદલ ખુશ છીએ. રિલાયન્સ રિટેલમાં અમારા રોકાણના સમગ્ર સમયગાળા દરમિયાન અમે ડિજિટલાઇઝેશન દ્વારા સમગ્ર ભારતમાં રિટેલરોને સશક્ત બનાવવા માટે કંપનીના વિઝન અને વ્યાપક કાર્યોથી તેમજ મહામારી તથા અન્ય મુશ્કેલીઓ હોવા છતાં તેની સહનશીલતા અને કામગીરીથી પ્રભાવિત થયા છીએ. અમે વધુ સમાવિષ્ટ ભારતીય રિટેલ અર્થતંત્રના નિર્માણ માટે કંપનીના મિશનને સમર્થન આપવા માટે રિલાયન્સ રિટેલ ટીમની સાથે કામ કરવાનું ચાલુ રાખવાની આશા રાખીએ છીએ.”

એશિયા પેસિફિક પ્રાઈવેટ ઈક્વિટીના વડા અને કેકેઆરના ભારતીય વડા શ્રી ગૌરવ ત્રેહાને ઉમેર્યું હતું કે, “રિલાયન્સ રિટેલ ભારતમાં સાચા કોર્પોરેટ લીડર અને ઈનોવેટર છે, અને તેનું અનોખું મોડલ દેશના રિટેલ ઉદ્યોગને ડિજિટલાઈઝ કરવા અને તેમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. અમને આ ટીમ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખવાની અને આગળની વૃદ્ધિની તકોને વધુ આગળ ધપાવવાની તક મળતાં અમને આનંદ થાય છે.”

કેકેઆરનું રોકાણ મુખ્યત્વે તેના એશિયન ફંડ આઇવીમાંથી આવે છે. આ વ્યવહાર નિયમનકારી અને અન્ય રૂઢિગત મંજૂરીઓને આધીન છે.

મોર્ગન સ્ટેનલી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના નાણાકીય સલાહકાર હતા અને સિરિલ અમરચંદ મંગળદાસ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલે કાનૂની સલાહકાર હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.