Western Times News

Gujarati News

એક્સ-રે વગર ઘૂંટણની તકલીફો હવે જાણી શકાશે-સુરત SVNITના વિદ્યાર્થીઓએ એક નવુ મશીન શોધ્યુ

SVNIT કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ એવું સેન્સર બનાવ્યું જેનાથી હવે એક્સ-રે જરૂર નહિ પડે

સુરત, દુનિયા હવે ટેકનોલોજી તરફ જઈ રહી છે, ત્યારે સુરત એસ.વી.એન.આઈ.ટી. કોલેજના પ્રોફેસર અને પીએચડીના વિદ્યાર્થીઓએ એક એવું સેન્સર બનાવ્યું છે કે જેનાથી ઘરે બેઠા જાણી શકશો કે તમારા ઘૂંટણમાં શું તકલીફ છે. Knee problems can now be diagnosed without X-rays – SVNIT a students in Surat Gujarat India invented a new machine

આ ઉપરાંત, તે પણ જાણી શકાશે કે ઘૂંટણમાં પાણી, લોહી અથવા પસ કેટલું છે. આથી હવે આ મેડિકલ તપાસ માટે એક્સ-રેની જરૂર પડશે નહિ અને એક્સે-રેના રેડિયેશનથી થતા નુકસાનથી પણ બચી શકાશે. ટેકનોલોજીમાં દિવસેને દિવસે નવા ચેન્જિસ આવતા રહે છે,

ત્યારે સુરતમાં એક એવું સેન્સર બનાવવામાં આવ્યું છે કે જે, ઘૂંટણમાં પાણી ભરાયું હોય અથવા તો લોહી અને પરુ જામી ગયા હોય તો વ્યક્તિ ઘરે બેસીને બ્લડ પ્રેશરના મશીનની જેમ જ ઘૂંટણના રોગ અંગે જાણકારી મેળવી શકાશે. લોકોને આ સુવિધા આપવા માટે સુરત ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ઇલેક્ટ્રોનિક્સ વિભાગના એસોસિએટ પ્રોફેસર અને તેમના પીએચડીના વિદ્યાર્થીઓએ ખાસ સેન્સર બનાવ્યું છે.

પેટન્ટ થયેલા સેન્સરના કારણે હવે આવનાર દિવસોમાં લોકોને એક્સ-રે કઢાવવાની જરૂર પડશે નહિ અને ઘરે બેસીને જ ઘૂંટણની સમસ્યા અંગેની જાણકારી મેળવી શકશે. ઘૂંટણની સમસ્યામાં મોટાભાગના લોકો પીડાતા હોય છે. એક્સ-રેમાં નિદાન કર્યા બાદ સારવાર કરવામાં આવતી હોય છે.

આ ઉપરાંત, એક્સ-રેના રેડિયેશન ખૂબ જ ઘાતક સાબિત થતા હોય છે, ત્યારે લોકો ઘરે બેઠા ઘૂંટણની સમસ્યા વિશે જાણી શકે અને ઘાતક રેડિયેશનથી પણ બચી શકે તે માટે એસ.વી.એન.આઈ.ટી. ના ઇલેક્ટ્રોનિક વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર પિયુષ પટેલ અને પીએચડીના વિદ્યાર્થી અર્પણ શાહ તેમજ હિરેન ધુડા દ્વારા એક ખાસ સેન્સર તૈયાર કરવામાં આવ્યું છે.

આ સેન્સર અંગે ડોક્ટર પિયુષ પટેલે જણાવ્યું હતું કે, હાલ જ અમને અમારા આ સેન્સર માટે પેટન્ટ મળી છે. આ એક ડિઝાઇન પેટર્ન છે. ઘૂંટણ ઇફ્યુઝન માટે એન્ટીના સેન્સર ડિઝાઇન કર્યું છે. ડોક્ટર દર્દીનો ઘૂંટણ જાેઈને એક્સ-રે કરાવવા કહે છે અને એક્સ-રેના ફોટા પરથી ડોક્ટર નિદાન કરે છે. પરંતુ આ સેન્સર પોતાનામાં એક નોવેલ્ટી છે.

આ સેન્સરને ડેનિમ અથવા જીન્સ જેવા મટીરીયલ ઉપર કન્ડેક્ટિવ ટ્રેડ્‌સ લગાવીને એન્ટીના સેન્સર બનાવીશું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સેન્સરને અમે ઘૂંટણ ઉપર લગાવીશું, ત્યારબાદ ઘૂંટણની અંદર જાે પાણી, લોહી અથવા પસ હશે તો તેના પ્રમાણે સેન્સરમાં મુકવામાં આવેલા ફિલ્ટરથી ખબર પડશે કે ઘૂંટણમાં કેટલું પાણી છે.

અત્યારે આ ડિઝાઇન મોડ પર છે અને અમે સિમ્યુલેટર પર કાર્ય કરી રહ્યા છીએ. અમારા સિમ્યુલેટરમાં બોડી ફેન્ટમ કે જેણે ઘૂંટણ કહેવાય છે, તેના પર પ્રયોગ કર્યો છે. આ સાથે સારા પરિણામ પણ મળ્યા છે. આમારી પાસે કમ્પ્યુટરાઈઝડ એમ્બ્રોઇડરી મશીન છે.

અમે જે સેન્સર ડિઝાઈન કર્યું છે તેને એમ્બ્રોઇડરી મશીન ઉપર પ્રિન્ટ કરીશું. આ માટે ટ્રેનિંગ બોર્ડની પણ ખરીદી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે એસ.વી.એન.આઈ.ટી. ના બાયો ટેકનોલોજી વિભાગ દ્વારા ૧૮ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે.

ડોક્ટર પિયુષે વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે બ્લડ પ્રેશરના મશીનમાં એક બેલ્ટ આવે છે, તેવી જ રીતે આમાં પણ એક બેલ્ટ હશે. એક્સ-રે માટે દર્દીઓને હોસ્પિટલ અથવા તો લેબમાં જવું પડતું હોય છે, ત્યાં સમય લાગે છે, ત્યારબાદ જ એક્સ-રે ફોટો ડોક્ટર પાસે આવે છે. પરંતુ આ મશીન પોર્ટેબલ બનશે અને માત્ર ૧૦ મિનિટમાં આ ઈમેજીન કરીને જણાવશે કે, ઘૂંટણમાં કેટલું પાણી છે. આ ઉપરાંત, આ સેન્સરમાં રેડિયેશન હોતા નથી, આથી વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ થતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.