કોહલીનું ફોર્મ જરૂરી નથી, તે વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી છેઃ ગેઈલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Kohli-Gail-1024x576.webp)
નવી દિલ્હી, વિરાટ કોહલી હાલમાં તેની કારકિર્દીમાં નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે બેટથી રન કરી શક્યો નથી. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઝંઝાવાતી બેટ્સમેન ક્રિસ ગેઈલે આ અંગે જણાવ્યું કે, કોહલીનું ફોર્મ જરૂરી નથી, તે વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી છે.
ઈંગ્લેન્ડ સામે કટકમાં બીજી વન-ડેમાં પણ કોહલી ખાસ મોટી ઈનિંગ્સ રમી શક્યો નહતો અને ફક્ત પાંચ રન કરીને આઉટ થયો હતો. આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સમાં સાથે રમી ચૂકેલો ક્રિસ ગેઈલ કોહલીના નબળા ફોર્મને લઈને ખાસ ચિંતિત નથી.
ગેઈલે કોહલીનું સમર્થન કરતા જણાવ્યું કે, કોહલીનું ગમે તો ફોર્મ હોય પરંતુ તે દુનિયાના મહાન બેટ્સમેનોમાં સ્થાન ધરાવે છે. કોહલીના આંકડા અને તેણે તમામ ફોરમેટમાં ફટકારેલી સદી જ તેનો બોલતો પુરાવો છે. ક્રિકેટર તરીકે હું જાણું છું કે, દરેકના જીવનમાં આ તબક્કો આવે છે.
કોહલીની કારકિર્દીના છેલ્લા ભાગમાં તેને આનો સામનો કરવો પડે છે પણ આ દરેક સાથે બનતું હોય છે. કોહલીએ ફક્ત પોતાના પર વિશ્વાસ જાળવી રાખતા ધમાકેદાર પુનરાગમન પર ધ્યાન આપવું જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે કોહલી ઘણા સમયથી રન કરવા સંઘર્ષ કરતો જોવાનું જોવા મળે છે.
કોહલી વન-ડેમાં દબદબો ધરાવે છે અને ઈંગ્લેન્ડ સામેની ત્રણ વન-ડેની સિરીઝમાં તે ફોર્મ પરત મેળવશે તેવી અપેક્ષા હતી. ઘૂંટણની ઈજાને પગલે કોહલી ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમ્યો નહતો. બીજી વન-ડેમાં તે આદિલ રશિદના બોલ પર વિકેટપાછળ કેચ આઉટ થયો હતો.
શું કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગેઈલના સર્વાધિક રનનો રેકોર્ડ તોડશે તેવું પૂછતા કેરેબિયન ખેલાડીએ જણાવ્યું કે, તેના માટે વધુ ૨૦૦ રન કરીને આ રેકોર્ડ તોડવો સરળ છે. ભારતીય ટીમ કેટલી મેચ રમશે તે હું નથી જણાતો પરંતુ કોહલી વધુ ૨૦૦ રન નોંધાવી શકે છે અને તે સદી પણ ફટકારશે તેનો મને વિશ્વાસ છે.
કોહલી લય મેળવી લેશે તો તેના માટે રેકોર્ડ તોડવો સરળ રહેશે.આ ઉપરાંત વન-ડેમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો ગેઈલનો રેકોર્ડ ભારતીય સુકાની રોહિત શર્માએ તોડતા ક્રિસ ગેઈલે તેને નવો કિંગ ગણાવ્યો હતો. રમત ક્ષેત્રને હંમેશા નવું મનોરંજન પુરું પાડનાર વ્યક્તિની જરૂર હોય છે અને રોહિત આટલા વર્ષાેથી તે કરતો રહ્યો છે.
હું પણ થોડંર ઘણું મનોરંજન કરી શક્યો. તે સિક્સરનો નવો કિંગ બન્યો છે અને તે બદલે તેને અભિનંદન આપું છું. યુવા ખેલાડી અભિષેક શર્મા વિશે ગેઈલે જણાવ્યું કે, ઈંગ્લેન્ડ સામેની ટી૨૦માં તેની આક્રમક સદી અંગે મે જાણ્યું અને યુવા ક્રિકેટર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધી મેળવવી કાબિલેદાદ છે. ગેઈલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વેસ્ટ ઈન્ડિઝની ગેરહાજરી અંગે નિરાશા વ્યક્ત કરી હતી.SS1MS