Western Times News

Gujarati News

કડીમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન કોરિયન વ્યક્તિનું મોત

અમદાવાદ, ૨૪મી ડિસેમ્બરના રોજ મહેસાણાના કડીમાં પેરાગ્લાઈડિંગ કરનારા એક કોરિયન નાગરિકનું નિધન થયુ હતું. આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે, આ અકસ્માત ચાઈનીઝ માંજાને કારણે નહોતો થયો. મહેસાણા પોલીસના જણાવ્યા અનુસાર, કોરિયન નાગરિક આકાશમાં સ્ટંટ્‌સ કરી રહ્યો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું છે.

આ સ્ટંટ્‌સને કારણે તે ૫૦ ફૂટની ઉંચાઈથી નીચે પટકાયો હતો. મહેસાણા પોલીસ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ જમા કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે મૃતકની ઓળખ ૫૧ વર્ષીય Shin Byeongmoon તરીકે થઈ છે. મહેસાણા પોલીસના એક ઉચ્ચ અધિકારી જણાવે છે કે, શિન અને તેમના મિત્ર ચેંગ હ્યુ જિઓન્ગ જેમની ઉંમર ૬૨ વર્ષ હતી તે ૨૪મી ડિસેમ્બરના રોજ આ ઘટના બની તેના લગભગ દોઢ કલાક પહેલાથી પેરામોટરિંગ કરી રહ્યા હતા.

પોલીસ આગળ જણાવે છે કે, જ્યારે શિન પેરાગ્લાઈડિંગ માટે ગયા ત્યારે ચાંગ તેમની સાથે જ હતા. ચાંગે પોલીસને જણાવ્યું કે શિન હવામાં સ્ટંટ્‌સ કરી રહ્યા હતા. તેમણે શિનને ચેતવણી પણ આપી હતી કે હવા અત્યારે એટલી સારી નથી કે આ પ્રકારના સ્ટંટ કરી શકાય.

પરંતુ તેમણે સ્ટંટ કર્યા અને એક સ્ટંટ વખતે જે કેનોપીની સસ્પેન્શન લાઈન એકબીજા સાથે વીંટળાઈ ગઈ અને તે નીચે પડી ગયા. શિન જ્યારે નીચે પડ્યા તો તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત પછી પણ શિને મિત્ર સાથે થોડી વાતચીત કરી હતી. તેમણે અતિશય દુખાવાની ફરિયાદ કરી હતી. મૃતકના મિત્રએ પોલીસને જણાવ્યું કે શિન અનુભવી પેરાગ્લાઈડર હતા અને તેમને ૫૦ વિવિધ દેશોમાં ૧૦૦૦ કલાક પેરાગ્લાઈડિંગ કરવાનો અનુભવ હતો.

કડી પોલીસ ઈન્સપેક્ટર નિકુંજ પટેલ જણાવે છે કે, અકસ્માત થયો ત્યારે શિન વીડિયો પણ રેકોર્ડ કરી રહ્યા હતા, માટે બની શકે કે તેના કારણે નિયંત્રણ ગુમાવી દીધું હોય. પેરાશુટનું જે દોરડું હોય છે તે નાયલોનનું બનેલુ હોય છે, માટે એવુ લાગતુ હતું કે તે ચાઈનીઝ માંજાને કારણે અકસ્માતનો શિકાર બન્યા છે.

અમે તેમની ઈજાની તપાસ કરી છે અને શરીરના કોઈ પણ ભાગ પર ચીરો આવ્યો હોય તેવા કોઈ નિશાન નથી. જ્યારે વ્યક્તિ માંજા સાથે વીંટળાઈ જાય તો તેના શરીર પર કાપો પડી જાય છે. શિનના મૃતદેહને કોરિયા મોકલી દેવામાં આવ્યો છે. શિન ચાંગને મળવા માટે વડોદરા આવ્યા હતા. ચાંગ પછલા ૧૦ વર્ષથી અહીં રહે છે. શિન અને ચાંગ બન્ને મળીને મેડિકલના સાધનોના ઉત્પાદનનો બિઝનેસ કરતા હતા.

આ બન્ને પોતાના એક મિત્ર પ્રકાશ પટેલને મળવા માટે મહેસાણા ગયા હતા. અહીં પ્રકાશ પટેલે તેમને કડી જઈને પેરામોટરિંગ કરવાની સલાહ આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.