કુડાસણનો ‘ગૌરવપથ’: સ્માર્ટ સીટી ગાંધીનગરના નિર્માણમાં એક અનેરૂ આકર્ષણ ઉમેરાયું
કુડાસણ ખાતે રૂ.૧૭ કરોડના ખર્ચે નિર્મિત આંતરરાષ્ટ્રીય કક્ષાનો ગૌરવપથ અન્ય શહેરો માટે બનશે મોડલરૂપ
સુવિધાયુકત ફૂટપાથ, સુશોભિત બાંકડા, ગ્રીન સ્પેસ, કાફેટેરિયા, પાર્કિંગ અને આધુનિક લાઈટિંગથી લોકો માટે ગૌરવપથ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ગુજરાતના પાટનગર ગાંધીનગરને સ્માર્ટસીટી તરીકે વિકસાવવાની નેમ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાખી હતી જે આજે સાચા અર્થમાં ફળીભૂત થઈ રહી છે. સ્માર્ટ સીટી ગાંધીનગરના નિર્માણમાં એક અનેરૂ આકર્ષણ ઉમેરાયું છે.
કુડાસણ ખાતે રૂ.૧૭ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના ‘ગૌરવપથ‘નું નિર્માણ કરાયું છે, જે અન્ય શહેરો માટે મોડલરૂપ પુરવાર થશે. આજે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ ગૌરવ પથનું લોકાર્પણ કરીને ગાંધીનગરવાસીઓ માટે ખુલ્લો મુક્યો હતો.
રસ્તા એટલે માત્ર વાહનો માટે જ નહિ, પરંતુ પગપાળા જતા લોકો માટે પણ સુગમ બની રહે એ ધ્યેય સાથે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણ ખાતે મુખ્ય માર્ગને સરદાર ચોક સુધી જોડતા ૧.૩ કિમી લંબાઈ તથા ૩૦ મીટર પહોળાઈનાં માર્ગને ‘ગૌરવપથ‘ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ ગૌરવપથનાં વિકાસથી શહેરની સુંદરતામાં તો વધારો થશે જ સાથોસાથ સરળ અને સુલભ પરિવહનની સાથે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ ગૌરવપથ પર નાગરિકોને ચાલવા માટે રોડની બંને બાજુ 5 મીટરના સુવિધાયુકત ફૂટપાથ તેમજ રસ્તા પર થતા પાર્કિંગને અટકાવવા માટે 2.5 મીટરની પાર્કિંગ માટેની જગ્યા આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોની સુવિધા માટે સુશોભિત બાંકડા, ગ્રીન સ્પેસ, આશ્ફાલ્ટ રોડ, સુશોભિત ડસ્ટબિન, સ્ટ્રીટ લાઈટ, સ્ટ્રીટ ફર્નીચર, સ્ટોર્મ વોટર લાઈન, અન્ડર ગ્રાઉન્ડ યુટીલીટી લાઈન,
રોડ સાઈનેજીસ, લેન્ડસ્કેપિંગ અને દિવ્યાંગ લોકો માટે બેઠક વ્યવસ્થા જેવી વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અહીં રાત્રીના સમયે નાગરિકો ફરવા નીકળે ત્યારે મન મોહી લે એવી અદભૂત લાઈટિંગ, બેસવાની સુંદર વ્યવસ્થા અને કાફેટેરિયા જેવી સુવિધાઓનું પણ નિર્માણ કરાયું છે, જેના કારણે આ ગૌરવ પથ માત્ર વાહન ચાલકો માટે જ નહિ, પરંતુ રાહદારીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરને વિશ્વકક્ષાનું શહેર બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૪-૨૫ અંતર્ગત કુડાસણ ખાતે બનેલ આઇકોનિક ફોર-લેન રોડને આંતરરાષ્ટ્રીય કક્ષાની અર્બન યુટીલીટી સાથે ડેવલોપ કરવામાં આવ્યો છે.