Western Times News

Gujarati News

અસનાડ ગામે યોજાયેલ તાલુકા કક્ષાનાં ગ્રામ્ય કલા મહોત્સવમાં કુદિયાણા પ્રાથમિક શાળાનો ડંકો

સુરત, ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત, સંચાલિત અસનાડ પ્રાથમિક શાળા ખાતે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા યોજાયેલ તાલુકા કક્ષાનાં ગ્રામ્ય કલા મહોત્સવ-૨૦૨૩ માં કુદિયાણા પ્રાથમિક શાળાનાં બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ શાળાનો ડંકો વગાડ્યો હતો. સદર કલા મહોત્સવમાં આદિવાસી નૃત્ય, પ્રાદેશિક લોકનૃત્ય, અભિનયગીત, દેશભક્તિગીત, લોકગીત, રાસ, ગરબા, નિબંધ લેખન, ચિત્રકલા, રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

જે પૈકી શાળાએ રાસ અને અભિનયગીત (ધો.-૧થી૪)માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું જ્યારે દેશભક્તિગીત (ધો.-૫થી૮)માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સાથે યોજાયેલ વ્યક્તિગત સ્પર્ધાઓ પૈકી ચિત્રકલા (ધો.-૫થી૮)માં જય નવીનભાઈ પટેલ, સુલેખન (ધો.-૩થી૪)માં યશવી કિરીટભાઈ પટેલ, નિબંધલેખન (ધો.-૫થી૮)માં મેઘા નરેશભાઈ પટેલ, બાળવાર્તા (ધો.-૧થી૨)માં જીયાન અશોકભાઈ પટેલ જ્યારે વક્તૃત્વસ્પર્ધા (ધો.-૫થી૮)માં પાર્થ દિલીપભાઈ પટેલે પ્રથમ ક્રમે વિજેતા બની ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી હતી.

વિજેતા બાળકોને મંચસ્થ મહાનુભાવો એવાં જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશભાઈ પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, શાસક પક્ષનાં નેતા વનરાજસિંહ બારડ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બી.આર.સી.કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલનાં હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં.

શાળા તથા ગામનું નામ રોશન કરનાર આ બાળ પ્રતિભાઓને શાળાનાં આચાર્ય વિનોદભાઈ પટેલ તથા સ્ટાફગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ, સી.આર.સી.કો-ઓર્ડિનેટર હેમાલીબેન પટેલ તથા સમસ્ત કુદિયાણા ગ્રામજનોએ ગૌરવની લાગણી સાથે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.