કુંકાવાવ પંથકને સુરતની સીધી ટ્રેન સેવા આપવા રજૂઆત કરાઈ
બગસરા, બગસરા પંથકના કુંકાવાવ રેલવે સ્ટેશનને બ્રોડગેજનો લાભ આપ્યા બાદ વધુ સુવિધા મળે તેવી અપેક્ષા છે. સૌરાષ્ટ્ર વિસ્તારનો સુરત સાથેના આર્થિક અને સામાજિક વ્યવહારને ધ્યાનમાં લઈ કુંકાવાવથી સુરત ટ્રેન શરૂ કરવા માંગણી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરીયા દ્વારા કુંકાવાવથી સુરત જવા માટે ટ્રેન શરૂ કરવા માંગણી કરી જણાવાયું છે કે બગસરા, વડીયા, કુંકાવાવ, અમરેલી, ધારી, સહિતના વિસ્તારમાં રહેતા લોકોને લાભ મળી રહે તે માટે આ ટ્રેનની સુવિધા જરૂરી છે.
ઉપરોકત તમામ તાલુકામાંથી મોટાભાગના લોકોને સુરત સાથે આર્થિક તેમજ સામાજિક જોડાણ રહેલું છે. જેને ધ્યાનમાં રાખી મહુવાથી સુરત ટ્રેન મુજબ કુંકાવાવથી સુરત ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવે તો મુસાફરોને સરળતા થઈ શકે તેમ છે.
તહેવારોના સમયમાં લોકોના ઘસારાને ધ્યાનમાં લઈ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા ભાડામાં તોતીંગ વધારો કરી નાખવામાં આવે છે તેવા સમયે ગરીબ લોકોને પોતના ઘરે આવવા જવા માટે રેલવેથી સસ્તી સુવિધા કોઈ આપી શકે તેમ નથી તેથી આ બાબતે તાત્કાલિક લોક ઉપયોગી નિર્ણય કરી ટ્રેન શરૂ કરવા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જે.વી. કાકડિયાને રજુઆત કરી છે.