કુમુદિનીબેન લાખિયાના નિધનથી ભારતીય શાસ્ત્રીય નૃત્યએ, ખાસ કરીને કથક જગતે એક યુગપ્રવર્તક વ્યક્તિત્વ ખોયું છે : રાજ્યપાલ

પદ્મ વિભૂષણ કથક નૃત્યાંગના કુમુદિનીબેન લાખિયાના દુઃખદ નિધન પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પદ્મ વિભૂષણથી સન્માનિત સુપ્રસિદ્ધ નૃત્યાંગના, નૃત્યદર્શિકા અને શિક્ષિકા કુમુદિનીબેન લાખિયાના દુઃખદ નિધન પર ગાઢ દુ:ખ વ્યક્ત કર્યું છે.
તેમના શોક સંદેશમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું છે કે, કુમુદિનીબેન લાખિયાના નિધનથી ભારતીય શાસ્ત્રીય નૃત્યવિશ્વએ, ખાસ કરીને કથક જગતે એક યુગપ્રવર્તક વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમણે કથકને પરંપરાગત મર્યાદાઓમાંથી બહાર લાવીને તેને નૃત્યમંચ પર એક નવું સ્વરૂપ આપ્યું હતું. તેમની દીર્ઘદ્રષ્ટિ, સમર્પણ અને સર્જનશીલતાએ ભારતીય સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યો છે.
કુમુદિનીબેને અમદાવાદમાં કદંબ ડાન્સ એન્ડ મ્યૂઝિક સેન્ટરની સ્થાપના કરીને અનેક પેઢીઓને નૃત્ય પ્રશિક્ષણ આપીને પારંગત કરી, એટલું જ નહી પણ અસંખ્ય પ્રતિભાઓનું ઘડતર કરીને તેમને આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રસ્તુત કરી.
તેમની રચનાત્મકતામાં પરંપરા અને નવીનતાનો અનોખો સુમેળ જોવા મળતો હતો. તેમણે કથકને આધુનિક વિષય-વસ્તુ સાથે જોડીને નવી પેઢીને પણ આ કળા સાથે જોડવા માટે સાધના કરી. તેમની આ સિદ્ધિઓ તેમને ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ વિભૂષણ જેવા ઉચ્ચ નાગરિક સન્માન માટે યોગ્ય ઠેરવે છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતાં તેમના શિષ્યો, પરિવારજનો તથા કળાજગત સાથે જોડાયેલા તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કુમુદિનીબેન લાખિયાની અનુપસ્થિતિ ભારતીય નૃત્યવિશ્વ માટે એક અપૂરણીય ક્ષતિ છે. તેમની કળા, તેમના વિચારો અને તેમની કેળવણી હંમેશા પ્રેરણારૂપે જીવંત રહેશે.