Western Times News

Gujarati News

૧૮ વર્ષ પહેલાં કરેલા કૌભાંડમાં કચ્છના પૂર્વ ડેપ્યુટી કલેક્ટર જે. ડી .જોશીની ધરપકડ

સરકારની તિજોરીને રૂપિયા ૯૭.૬૮ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ -આટલો લાંબો સમય કેમ લાગ્યો એ મોટો સવાલ છે.

(એજન્સી)ભૂજ, ગુજરાતમાં સરકારી તંત્ર રામ ભરોસે ચાલે છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. ૧૮ વર્ષ પહેલાંના કૌભાંડમાં કચ્છના પૂર્વ ડેપ્યુટી કલેક્ટર જે.ડી.જોશીની ધરપકડ કરાઈ છે. તેમની સામે ચાર લોકોને ગેરકાયદે રીતે ફાયદો કરાવીને સરકારની તિજોરીને રૂપિયા ૯૭.૬૮ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. જોકે, મહેસૂલ વિભાગને જે.ડી.જોશીના કૌભાંડની જાણ થવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો એ મોટો સવાલ છે. Kutch former Deputy Collector J. D. Joshi

પૂર્વ ડેપ્યુટી જે.ડી.જોશીએ ૨૦૦૭-૦૮માં આચરેલા કૌભાંડની તપાસમાં મહેસૂલ વિભાગે વર્ષો કાઢી નાખ્યાં. આ દરમિયાન તે નિવૃત્ત પણ થઈ ગયા હતા. તેમને નિવૃત્તિના તમામ લાભ પણ આપી દેવાયા હતા. હવે જે.ડી. જોશીએ પોતાની સત્તાથી ઉપરવટ જઈને જમીનોને લગતા હુકમ કરી સરકારને રૂપિયા ૭૯.૬૮ લાખનું નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તેમની બહુચરાજીથી ધરપકડ કરી છે.

ભુજ ગ્રામ્યના મામલતદાર ભરત શાહે એ ડિવિઝન નોંધાવેલી પોલીસ ફરિયાદમાં દાવો કર્યો છે કે, તત્કાલીન પ્રાંત અધિકારી જે.ડી.જોશીએ રાજ્ય સેવક હોવા છતાં સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાનું બહાર આવતાં ફરિયાદ નોંધાવીને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

જે.ડી. જોશી સામે ભુજ તાલુકાના માધાપર ગામના રામજી શામજી પીંડોરીયાને સરકારી જમીન વિનામૂલ્યે આપી સરકારને ૩,૫૪,૪૦૦ રૂપિયાનું આર્થિક નુકશાન પહોંચાડવાનો આરોપ છે. આ ઉપરાંત એશિયા મોટર વર્કસ લિમિટેડ બિનખેડૂત હોવા છતાં જાન્યુઆરી ૨૦૦૬માં કરવામાં આવેલી અરજીના આધારે અરજદારની ખેતીની જમીનનું દબાણ નિયમબદ્ધ કરવા માટે નજીવી રકમ લીધી હતી.

આ રીતે અરજદારને આર્થિક ફાયદો પહોંચાડવા માટે સરકારને ૩૯,૨૬,૬૦૦ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું. અન્ય એક કેસમાં દિલીપકુમાર પાસેથી સરકારને દબાણ નિયમિત કરવાના અઢી ગણાં દંડની રકમ ૧૫,૭૮,૨૨૫ રૂપિયાના વસૂલી સરકારને આર્થિક નુકસાન પહોંચ્યુ હતું. ચોથી ફરિયાદમાં સૃજન ટ્રસ્ટ વતી મેનેજિંગ ટ્રસ્ટી ચંદાબેન શ્રોફને ફાયદો કરાવવાનો આરોપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.