કુટિર જ્યોતિ યોજના અંતર્ગત વીજ જોડાણ માટેની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે
રાજ્યમાં વીજળીથી વંચિત પરિવારોને વિનામૂલ્યે વીજ જોડાણ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ :ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
વિધાનસભા ગૃહમાં કુટિર જ્યોતિ યોજના (Kutir Jyoti Yojana electric connection) અંતર્ગત ઘર વપરાશ માટે અપાયેલા વીજ જોડાણ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વીજળીથી વંચિત પરિવારોને વિનામૂલ્યે વીજ જોડાણ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે માટે કુટિર જ્યોતિ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.
મંત્રીશ્રીએ આ યોજના હેઠળ છોટા ઉદેપુર, સુરત અને ભરૂચ જિલ્લામાં થયેલી કામગીરીની માહિતી આપતા કહ્યું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં કુટીર જ્યોતિ યોજના હેઠળ ૩૯૮૦ લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવ્યા છે.
તે પેટે કુલ રૂ.૧૯૫.૨૯ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૯૫૯ લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણો આપવામાં આવ્યા છે. તેની પાછળ કુલ રૂ. ૭૫.૧૭ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં કુટીર જ્યોતિ યોજના હેઠળ ૯૧૨ લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવ્યા છે. તે પેટે કુલ રૂ.૩૨.૪૯ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
મંત્રી શ્રી દેસાઈએ આ યોજના હેઠળ થયેલી કાર્યવાહી ઉપરાંત આ યોજનાનો હેતુ તથા પાત્રતાના ધોરણોની વિસ્તૃત વિગતો પણ પૂરક પ્રશ્નના ઉત્તરમાં આપી હતી.