KVICએ સેવા દિવસની ઉજવણી કરવા માટે 10 શહેરોમાં 1500 લોકો માટે રોજગારીનું સર્જન કર્યું
PIB Ahmedabad, ખાદી અને ગ્રામોદ્યોગ પંચ (KVIC)એ ગુરુવારે “સેવા દિવસ”ની ઉજવણી કરવા માટે ભારતના 10 શહેરોમાં 1500 લોકો માટે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશથી વિવિધ રોજગારી નિર્માણ યોજનાઓના લાભો લંબાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વોત્તર પ્રદેશોમાં અરુણાચલ પ્રદેશથી માંડીને પશ્ચિમી સરહદે બિકાનેર અને ઉત્તરમાં ચંદીગઢ તેમજ નવી દિલ્હીથી લઈને દક્ષિણમાં મદુરાઇ અને કોઈમ્બતુર સુધી KVIC દ્વારા સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરવા માટે કલ્યાણકારી પરિયોજનાનો પરિઘ વિસ્તારવા માટે 14 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
MSME રાજ્યમંત્રી શ્રી પ્રતાપ ચંદ્ર સારંગીએ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હાથવણાટના ગાલિચા બનાવવા માટેના 500 કારીગરોના જૂથ SFURTIનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી સારંગીએ કારીગરોને સશક્ત બનાવવા માટે KVIC દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આનાથી ભારતના પુનરુત્થાનનું સપનું સાકાર થશે. તેમણે કહ્યું કે, ખાદી ભારતને “આત્મનિર્ભર” બનાવવામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી રહી છે.
KVICના ચેરમેન શ્રી વિનય કુમાર સક્સેનાએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસીમાં છ અલગ-અલગ કાર્યક્રમોનો પ્રારંભ કર્યો હતો જેમાં આગ્રા સ્થિત કેન્દ્રીય ફુટવેર તાલીમ સંસ્થા (CFTI) ના સહયોગથી વારાણસીમાં ચર્મ કારીગરો (મોચી) માટે પ્રથમ ફુટવેર તાલીમ અને ઉત્પાદન કેન્દ્ર પણ સામેલ છે. તેમણે સાઇકલમાં લગાવેલા છ નવીનતમ ચા/કોફી વેચાણ એકમોનું વિતરણ કર્યું હતું. DigniTEA પરિયોજના અંતર્ગત આ વિતરણ કરવામાં આવ્યું હતું જે ચા વેચનારાઓને સ્વચ્છતા સાથે ચા/કોફીનું વેચાણ કરીને આદરપૂર્ણ આજીવિકા મેળવવા માટે સમર્થ બનાવશે.
તેમણે કુંભાર સશક્તિકરણ યોજના હેઠળ 300 કુંભાર પરિવારોને ઈલેક્ટ્રિક ચરખા અને હની મિશન હેઠળ 20 ખેડૂત પરિવારોને 200 મધમાખી ઉછેર બોક્સનું પણ વિતરણ કર્યું હતું. KVICના ચેરમેને વારાણસીમાં ખાદી અગરબત્તી આત્મનિર્ભર મિશન અંતર્ગત સેવાપુરી બ્લૉકમાં હાથથી ચાલતા અગરબત્તી બનાવવાના છ મશીનનું વિતરણ કર્યું હતું અને અગરબત્તીની સળી માટે ઉપયોગમાં લેવામાં આવતા બામબુસા ટુલ્ડા નામની પ્રજાતિના વાંસના 100 રોપાનું વાવેતર પણ શરૂ કરાવ્યું હતું. આના કારણે અગરબત્તીના ઉત્પાદન માટે સ્થાનિક સ્તરે જ કાચો માલ ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે, સેવાપુરીને નીતિ આયોગ દ્વારા “મહત્વાકાંક્ષી જિલ્લા” તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે અને સ્થળાંતરિત શ્રમિકોને રોજગારી આપવા માટે સેવાપુરી ખાતે કેટલીક પરિયોજનાઓનું કામ પહેલાંથી જ શરૂ થઇ ગયું છે.
અરુણાચલ પ્રદેશમાં મનોરમ્ય કુદરતી સૌંદર્ય ધરાવતા કામ ચુલ્યુમાં સક્સેનાએ રાજ્યના સૌપ્રથમ રેશમ તાલીમ અને ઉત્પાદન કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો જેનાથી સ્થાનિક કારીગરોમાં રોજગારીની તકોનું સર્જન થશે અને સ્થાનિક સ્તરે રેશમનું ઉત્પાદન પણ વધશે. KVICએ રેશમ તાલીમ અને ઉત્પાદન કેન્દ્ર ઉભું કરવા માટે જર્જરિત થઇ ગયેલી સરકારી શાળાના કામમાં સમારકામ કરાવીને નવું તૈયાર કર્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 50 વર્ષમાં અરુણાચલ પ્રદેશમાં રોજગારલક્ષી આવી કોઇપણ પ્રવૃત્તિ આજદિન સુધીમાં હાથ ધરવામાં આવી નથી.
KVICના ચેરમેને જણાવ્યું હતું કે, સ્થાનિક રોજગારી સર્જન દ્વારા ટકાઉક્ષમ વિકાસ એ KVICના મુખ્ય કેન્દ્રમાં છે અને આ પ્રયાસો પ્રધાનમંત્રીની “હર હાથ મે કામ” (દરેક વ્યક્તિને રોજગાર) પ્રત્યે કટિબદ્ધતાને અનુરૂપ છે. સક્સેનાએ જણાવ્યું હતું કે, “આદરણીય પ્રધાનમંત્રીની પ્રેરણા અને અપીલના કારણે જ ખાદી આજે નવી ઊંચાઇઓ પર પહોંચી રહી છે. અમને આશા છે કે, તેઓ ખાદીના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અગ્રેસર રહેશે.“
તેમણે નવી દિલ્હી, જયપુર અને ચંદીગઢમાં સ્થાનિક યુવાનોને સાઇકલ પર લગાવેલા ચા/કોફી વેચાણના પ્રત્યેક શહેરમાં 6 એકમોનું વિતરણ કર્યું હતું.
સ્થાનિક કારગીરોને સશક્ત બનાવવા માટે, KVICના ચેરમેને રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં અને તામિલનાડુના મદુરાઇ જિલ્લામાં કોવિલપટ્ટી ખાતે નવા મોડેલ ચરખાનું વિતરણ કર્યું હતું. તેવી જ રીતે, ખાદીના કારીગરોને બહેતર માર્કેટિંગની તકો પૂરી પાડવા માટે, KVICએ ભોપાલના બારખેડીમાં અને તામિલનાડુના કોઇમ્બતુરમાં બે ખાદી વેચાણ આઉટલેટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.