SVP હોસ્પિટલમાં માર્ચ-૨૦૨૪ સુધી રાહત દરે લેબોરેટરી ટેસ્ટ થશે
૭૩ મ્યુનિ. શાળાઓમાં તાકીદે સીસીટીવી લગાવવામાં આવશે ઃ દેવાંગ દાણી
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં દર અઠવાડિયે બે દિવસ નાગરિકોને ૫૦ ટકા રાહત દરથી લેબોરેટરી પરીક્ષણ કરી આપવામાં આવશે. મ્યુનિ. કોર્પાેરેશન સંચાલિત શાળાઓમાં બાકી સીસીટીવી લગાવવા તથા રોડના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા થઈ હતી સાથે સાથે રૂા. ૪૮ કરોડના વિકાસ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાનીએ જણાવ્યું હતું કે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં હવે નાગરિકો વિવિધ પ્રકારના ટેસ્ટ ૫૦ ટકાના રાહત દરે કરી આપવાનો ર્નિણય આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો હતો. ૨૫ ઓક્ટોબરથી ૩૧ માર્ચ ૨૦૨૪ એમ છ મહિના સુધી ૫૦ ટકા રાહત દરે વિવિધ પ્રકારના ૧૦૬૭ જેટલા ટેસ્ટ કરાવી શકાશે.
દર બુધવારે સવારે ૯થી ૫ અને શનિવારે સવારે ૮થી ૧ વાગ્યા સુધી કરાવી શકશે.ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૨૦૦થી લઈ ૨૦૦૦ સુધીના દરે ટેસ્ટ કરી આપવામાં આવે છે. લોહી,યુરિન વગેરે જેવા ૩૦ જેટલા રૂટીન ટેસ્ટ પણ થશે. નાગરિકોને સસ્તા ભાવે લેબોરેટરીના ટેસ્ટ કરાવી શકે તેના માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે.
રિપોર્ટ લેવા માટે નાગરિકોએ હોસ્પિટલ જવાની જરૂર નથી. વોટ્સએપના માધ્યમથી રિપોર્ટ મળી જશે. અમદાવાદની આસપાસના આવેલા વિસ્તારોને બે વર્ષ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એટલે કે અમદાવાદ શહેરની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
મ્યુનિ. હદમાં ભેળવાયેલા નવા વિસ્તારો જેવા કે બોપલ, ઘુમા, ચિલોડા, કઠવાડા સહિતની જગાએ સીસીટીવી કેમેરા લગાવવા માટેની સૂચના આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી હતી. નવા વિસ્તારોમાં ક્યાંય પણ સીસીટીવી કેમેરા લાગેલા નથી. જેના કારણે વોટર લોગીગ, ટ્રાફિક કે રખડતા ઢોરની સમસ્યા હોય તેની માહિતી મળી શકતી નથી જેથી આ તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ઝડપથી લગાવવામાં આવે.
જે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે તેને ચાલુ કરવા પણ સૂચના આપી છે. કેટલાક સીસીટીવી કેમેરામાં લીઝ લાઇન બંધ હોવાની પણ માહિતી મળી હતી તેથી ઝડપથી તે ચાલુ કરવા જણાવવામાં આવ્યું છે. મ્યુનિ. કોર્પાેરેશન સંચાલિત ૨૮૪ શાળાઓ પૈકી ૨૧૧ શાળાઓમાં સીસીટીવી કાર્યરત છે અને બાકી રહેતી ૭૩ શાળાઓના બિલ્ડીંગમાં પણ તાત્કાલિક ધોરણે સીસીટીવી લગાવવામાં આવશે.
પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં ખાનગી સંસ્થા જાેડે પીપીપી ધોરણે ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં આવશે. પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ઉત્તર ઝોનમાં નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવશે પાંચ પાંચ ડાયાલિસિસ મશીન મૂકવામાં આવશે. કિડનીના દર્દીઓ ને મફતમાં ડાયાલિસિસ કરી આપવામાં આવશે
આગામી દિવસોમાં પશ્ચિમ વવિસ્તારમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ડાયાલિસિસ મશીન મુકવામાં આવશે. કમિટીમાં ૧૮થી ૨૪ મીટરના ટીપી અને ડ્રાફ્ટ ટીપી રોડ ખોલવાના હોય તો તેવા રોડ ઝડપથી ખોલવા માટેની સૂચના પણ એસ્ટેટ વિભાગના અધિકારીઓને આપવામાં આવી હતી
કેટલાક વિસ્તારોમાં ટીપી રોડ ખુલતા નથી જેના કારણે નાગરિકોને ખૂબ જ ફરીને જવું પડે છે જેથી આવા રોડ શોધી અને તેને ઝડપથી ખોલવા જેથી નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે નહીં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા સામે આવી છે. ઝોન અને વોર્ડ તેમજ પ્રોજેક્ટ લેવલે સંકલન નથી હોતું. સંકલનના અભાવે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી સંકલન કરી અને આવી પાણીની સમસ્યા તાકીદે દૂર કરવા સૂચના અપાઈ હતી.