રાજસ્થાન હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના અભાવે તંત્રએ નોટિસ ફટકારી
અમદાવાદ, અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલ ફરી વિવાદમાં આવવા પામી છે. હોસ્પિટલનાં બેઝમેન્ટમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સૂચના પ્રમાણે સાઘનો લગાવવા નોટિસ ફટકારી હતી.
જેને આજે બે મહિનાં જેટલો લાંબો સમય વીતી જવા છતાં પણ હોસ્પિટલ દ્વારા કોઈ પણ જાતની સૂચનાનું પાલન ન કરી બેઝમેન્ટમાં કોઈ સેફ્ટી સાઘનો ન લગાવાતા ફાયર વિભાગ દ્વારા નોટીસ ફટકારી હતી.
તેમજ હોસ્પિટલની ૪૫ દિવસની ફાયર એેનઓસી પૂર્ણ થયા બાદ પણ હોસ્પિટલ દ્વારા ફાયર એેનઓસી લેવાઈ નથી. ત્યારે હોસ્પિટલની બેદરકારીને લઈ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે તેવી શક્યતાઓ છે.
અમદાવાદનાં શાહીબાગ ખાતે આવેલી રાજસ્થાન હોસ્પિટલનાં બેઝમેન્ટમાં શોર્ટ સર્કીટનાં કારણે આગ લાગી હતી. જેમાં બેઝમેન્ટમાં લાગેલ આગને કારણે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી.
પરંતું ધૂમાડાનાં કારણે હોસ્પિટલમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનાં બાદ બેઝમેન્ટમાં ફાયર વિભાગની સૂચનાં મુજબ સેફ્ટીનાં સાધનો મુકવામાં આવ્યા નથી. જેને લઈ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને નોટીસ ફટકારી હતી. બેઝમેન્ટમાં ફાયર વિભાગની સૂચના પ્રમાણે સાધનો મુકાતા બેઝમેન્ટ બહાર વાહન પાર્કિગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
થોડા સમય અગાઉ જ આગની ઘટના બની હોવા છતાં હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ૭ દિવસમાં સૂચના મુજબની કામગીરી પૂર્ણ કરવા નોટિસ ફટકારી છે. બે મહિનાં પહેલા એટલે કે ૩૦ જુલાઈનાં રોજ અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હોસ્પિટલનાં બેઝમેન્ટમાં આગ લાગતા ફાયર વિભાગની ૨૯ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડીસીપી સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી યુદ્ધનાં ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી.