વડોદરાઃ લેકઝોનના ભાગીદારો જ બોટિંગના નિયમો જાણતા ન હતા
વડોદરા, શહેરમાં ગત તા.૧૮મીના રોજ હરણી લેકઝોનમાં બોટ પલટી જતા ૧૨ માસૂમ વિદ્યાર્થીઓ તથા બે શિક્ષિકા મળી કુલ ૧૪ લોકોના મોત થયા હતા. આ કેસમાં એક બાદ એક ખુલાસા થઇ રહ્યા છે. લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
લેક ઝોનના ભાગીદારોને જ બોટિંગના નિયમોની જાણ ન હતી. બોટિંગ માટે શું જરૂરી હોય છે તેની કોઇને પણ ખબર ન હતી. બોટિંગ માટે કયા પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની પણ જાણકારી નહોતી. બોટિંગ જેવી જોખમી રાઇડ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ તે જાણવાની પણ તસ્દી કોઇ ભાગીદારોએ લીધી ન હતી. નોંધનીય છે કે, બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી નિલેશ જૈનએ કરી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, હરણી લેક ઝોન ચલાવી રહેલા ભાગીદારોની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઇ રહ્યા છે. પૂછપરછમાં સામે આવ્યુ છે કે, ભાગીદારોને બોટિંગ અંગેના નિયમોની ખબર જ ન હતી. બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી આરોપી નિલેશ જૈને કરી હતી.
આ ભાગીદારોએ રુપિયા બચાવવા માટે લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ લીધો હતો. ભાગીદારોને એટલી પણ ખબર ન હતી કે, બોટિંગ માટે શું જરૂરી હોય છે અને કયા પ્રકારનો સ્ટાફ તેમા લેવા જોઇએ. તપાસમાં એવું પણ બહાર આવ્યું હતુ કે, સંચાલકોએ જરૂરી લાઇસન્સ, વીમો કે રજિસ્ટ્રેશન સુદ્ધાં નથી કરાવ્યું.
આ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર પરેશ શાહ સહિતના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હજી છ આરોપીઓ નાસતા ફરી રહ્યા છે. પોલીસે તેઓને આ લોકોને પકડવા માટે વિવિધ ટીમો પણ બનાવી છે. આ આરોપીઓ ન મળતા તેઓને ભાગેડૂ જાહેર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસમાં વત્સલ પરેશ શાહ, દિપેન શાહ, ધર્મલ શાર, ધર્મીન ભટાણી તેમજ નૂતન શાહ અને વૈશાખી શાહ વોન્ટેડ છે. પોલીસે છ આરોપીઓના કોર્ટમાંથી સીઆરપીસી ૭૦ મુજબના વોરંટ મેળવ્યા છે. પોલીસે અત્યાર સુધી કુલ છ આરોપીઓના મેજીસ્ટ્રેટ રૂબરૂ નિવેદનો લીધા છે. જેમાં બિનીત હિતેશભાઇ કોટીયા, ભીમસિંહ કુડીયારામ યાદવ, રશ્મિકાંત ચીમભાઇ પ્રજાપતિ તથા વેદપ્રકાશ રામપાત યાદવનો સમાવેશ થાય છે.
આ તપાસમાં એસ.આઈ.ટી.ની તપાસમાં માસ્ટર માઈન્ડ તરીકે ગોપાલ શાહ અને પરેશ શાહના નામ ખુલ્યા હતા. પરેશ શાહના પેટ્રોલ પંપની ઓફિસમાં સર્ચ દરમિયાન લેક ઝોન અંગેનો ત્રી પક્ષીય કરાર મળી આવ્યો હતો.
જે આધારે ટ્રી સ્ટાર એન્ટરપ્રાઈઝના સંચાલક અલ્પેશ હસમુખ ભટ્ટ (રહે, પી.એમ. આવાસ, મંગલ પાંડે રોડ, સમા) તેમજ ડોલ્ફીન એન્ટર પ્રાઈઝના સંચાલક નિલેશ કાંતિલાલ જૈન (રહે, સહયોગ ઓલિવિયા એપાર્ટમેન્ટ,ઈલોરાપાર્ક)ની ધરપકડ કરી હતી.SS1MS