Western Times News

Gujarati News

જીવન શિખરની સીડી -મહત્વકાંક્ષા

મહત્વકાંક્ષા હોવી એ માનવ સહજ સ્વભાવ છે અને એ પૂરી કરવા માનવી પોતાની જિંદગીમાં પૂરૂપૂરો પ્રયત્ન કરતો હોય છે. મહત્વકાંક્ષા પુરી થતા માનવીને મળતો આનંદ અવર્ણનીય હોય છે.

જુદી જુદી વ્યક્તિઓને જુદી જુદી મહત્વકાંક્ષા હોય છે. કોઈ વિદ્યાર્થિને પરિક્ષામાં પહેલે નંબરે ઉત્તીર્ણ થવું હોય તો કોઈને મોટા ઉદ્યોગપતિ થવું હોય તો કોઈને મહાન રમતવીર બનવું હોય તો કોઈને એંજિનિયર તો કોઈને મહાન ડોક્ટર તો કોઈને મોટા વકીલ બનવુ હોય છે.

મહત્વકાંદ્યા વગરની જિંદગી નીરસ હોય છે. કોઈ પણ નાના બાળકને પણ પુછવામાં આવે તો એ બાળક પોતાને ગમતી વ્યક્તિને અનુરૂપ બનવા માંગતી હોય છે. ‘મહત્વ’ અને ‘આકાંક્ષા’ આ બે શબ્દમાંથી બનેલો ફક્ત એક જ શબ્દ ‘મહત્વકાંક્ષા’ માનવીને પોતાની સફળતાના શિખર પર પંહોચાડવામાં નિમિત્ત બની શકે છે.
જ્યારે માનવીની મહત્વકાંક્ષા અધૂરી રહે છે ત્યારે તે નાસીપાસ થઈ જાય છે. પણ માનવીએ હાર માનવી ન જોઈએ.

એક વખત નેપોલિયન બોનાપાર્ટ રાજા બીજા રાજ્ય પર ચડાઈ કરવા ગયો પરંતુ તે હારી ગયો. પાછા ફરતાં ફરતાં તે એક જંગલમાં આરામ કરવા ઝાડ નીચે બેઠો. એની નજર સામે આવેલી બખોલ પર પડી અને તેણે ત્યાં ધ્યાનથી જોયું કે એક કરોળિયો ઝાળું બનાવવા પ્રયત્ન કરતો હતો પણ તે ઝાળું બનાવતા બનાવતા નીચે પડી જતો હતો. પરંતુ તે બીજી વખત ચડ્‌યો તો પાછો નીચે પડી ગયો.

પણ તે હિમ્મત ન હારતા ત્રીજી વખત ઉપર ચડ્‌યો. આમ ને સાત વખત ઉપર ચડ્‌યોઅને નીચે પડ્‌યો. નેપોલિયન રાજા તે કરોળિયાને જોતા જ રહ્યા. છેવટે તે કરોળિયો ઉપર ચડી ઝાળું બનાવીને જ ઝંપ્યો. આ દશ્ય જોતાં જ રાજા નેપોલિયનમાં જોમ આવ્યું અને બીજી વખત પોતાનું સૈન્યને લઈને તે રાજ્ય પર ચડાઈ કરી અને પૂરા ખમીરથી લડીને તે જીતી ગયો. રાજાએ પોતાનો પ્રયત્ન ચાલું રાખ્યો અને તે પોતાની મહત્વકાંક્ષા પૂરી કરીને જ ઝંપ્યો.

કોઈ પણ માનવીએ મહત્વકાંક્ષા પૂરી કરવા પુરષાર્થ કરતા રહેવું જોઈએ અને જો પોતાનું મનોબળ મજબૂત હોય તો અવશ્ય તેની મહત્વકાંક્ષા પૂરી થશે. મહત્વકાંક્ષા પુરૂષાર્થ વગર પૂરી થતી નથી. તે પૂરી કરવા માનવીએ તનતોડ મહેનત કરવી પડે છે. મહત્વકાંક્ષા પૂરી કરવા માનવીએ શારીરિક તથા માનસિક રીતે સજ્જ રહેવું પડે છે, જેથી સફળતા મેળવવામાં સરળતા પડે છે.

પોતાનાં પરિવારનાં અન્ય સભ્યો તથા પોતાના કારોબારનાં સહ કર્મચારીઓનાં સહકારથી પોતાની મહત્વકાંક્ષા પૂરી કરી શકાય છે. માનવીની જિંદગીમાં કોઈક વખત મુશ્કેલીઓ, અડચણો તથા સમસ્યાઓ નડતર રૂપ બને છે અને મહત્વકાંક્ષા પૂરી કરવામાં ઘણી વખત બાધા પણ આવે છે પરંતુ માનવીએ કદી પીછેહઠ કરવી ન જોઈએ ને પોતાની મહત્વકાંક્ષાને અતૂટપણે વળગી રહેવાની વૃત્તિને લીધે તે કોઈક વખત નિષ્ફળ પણ જાય તો પણ અટક્યા વગર પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા પ્રયત્નશીલ રહેશે તો તે સફતાની દિશા તરફ આગળ વધતો રહેશે.

માનવીએ યોજના ધડીને પોતાનું મનોબળ મજબૂત રાખી સાથે સાથે પુરુષાર્થ કરે તો મહત્વકાંક્ષા પૂરી કરવામા તે શક્તિમાન બને છે. ‘કાળા માથાનો માનવી જો ધારે તો શું ન કરી શકે?’ મહત્વકાંક્ષી વ્યક્તિ સફળ નીવડે છે કારણ કે પોતે જેટલી વાર પાછો પડે છે તેટલી વાર ઉભો થતો રહે છે તથા સફળતાની દિશા તરફ પોતાના ડગ માંડતો જ રહે છે.

અમેરિકાનાં પ્રમુખ અબ્રાહમ લિંકનનું દષ્ટાંત જોતા લાગે છે કે તેમણે પોતાની જિંદગીના ૩૦ વર્ષોમાં (ઈ. સ. ૧૮૩૧ થી ૧૮૬૦) ઘણી પછડાટ ખાધી હતી. પરંતુ અબ્રાહમ લિંકને પોતાની હારને હાર તરીકે સ્વીકારી ન હતી અને છેવટે તેને સફળતા મળતા ઘણા મહાન વ્યક્તિ બની શક્યા.

એવું નથી કે દરેક માનવીએ જીવનની એકએક લડાઈ જીતવી જ જોઈએ! કે પોતે જે કાર્ય ઉપાડે તેમાં સફળ થવાય જ કે પ્રથમ પ્રયાસમાં સફળતા મળે કે કોઇ વખત નિષ્ફળતા પણ મળે. માનવીએ પૂરેપૂરા ધગશથી તથા ધીરજ ગુમાવ્યા વગર પ્રયત્ન ચાલું રાખવા જોઈએ અને આગેકૂચ કરતા સફળતાની બારી પણ ખૂલી શકે છે. અલબત્ત માનવીએ પોતાના ધ્યેય પર ધ્યાન એકાગ્ર કરે તો કેમ સિદ્ધ થાય તેની જ યોજનાઓ ઘડતો રહે તો તેને સફળતા મળવાની શક્યા રહે જ છે.

દરેક વખત માનવીનાં પાસા પોબારા પડશે એવી આશા રાખવી તે વ્યર્થ જ છે. માદામ ક્યુરીએ રેડિયમ પેદા કરવા અથાગ પરિશ્રમ કર્યો અને છેવટે ચાર વર્ષ બાદ તેને સફળતા મળી હતી. થોમસ આલ્વા એડિસને વીજળીની શોધ કરતા લગભગ ૩૦૦૦ પ્રયોગો એક પછી એક કર્યા અને છેવટે તેને સફળતા મળેલી અને ‘સ્ટોરેજ બેટરી’ ની શોધમાં વારંવાર પ્રયોગો કર્યા બાદ સિદ્ધિ સાંપડેલી. મહત્વકાંક્ષાની ઉત્પત્તિ થવામાં કે સફળતા મેળવવામાં ઉંમરનો બાધ નડતો નથી. અલબત્ત બાળકથી માંડીને પ્રૌઢ વ્યક્તિ પણ તેમાં સફળતા મેળવી શકે છે. ‘જેટલી વાર પડો એટલી વાર ઊભા થાઓ.’

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.