લાડકી બહેન યોજનાથી અન્ય સબસિડીની ચૂકવણી પર અસર થશેઃ નીતિન ગડકરી
મુંબઈ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વધુ એકવાર પોતાની જ સરકાર ભીંસમાં મુકાય તેવું નિવેદન આપતાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારની લાડકી બહિન સ્કીમથી અન્ય ક્ષેત્રોની સબસિડી પર અસર થશે.
ગડકરીના આ નિવેદનને પગલે વિરોધ પક્ષોએ રાજ્ય સરકાર પર નિશાન તાકતા જણાવ્યું છે કે, કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન દર્શાવે છે કે મહારાષ્ટ્ર આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે.
નાગપુરમાં એક જાહેર સભાને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે, મહિલાઓને નાણાકીય સહાય માટેની મહારાષ્ટ્ર સરકારની ‘લાડકી બહિન’ (લાડકી બેન) યોજનાથી અન્ય ક્ષેત્રોમાં અપાતી સબસિડીની સમયસર ચૂકવણી પર અસર થઈ શકે છે.
સરકારે લાડકી બહિન યોજના માટે ભંડોળની ફાળવણી કરવાની હોવાથી રોકાણકારોને તેમની સબસિડીના નાણાં સમયસર મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ શકે છે. બધી બાબતો સરકાર પર છોડી દેવાના બદલે વિદર્ભના રોકાણકારોએ રોકાણ માટે આગળ આવવું જોઈએ. તેમણે હળવી શૈલીમાં જણાવ્યું હતું કે, કોઈ પણ પક્ષની સરકાર હોય, તેનાથી અંતર રાખવું જોઈએ.
સરકાર વિષકન્યા જેવી હોય છે, તે જેની સાથે હોય તે તેનો અંત લાવે છે. તેમાં પડવા જેવું નથી. જો તમને સબસિડી મળતી હોય તો લઈ લો, પરંતુ તે ક્યારે મળશે તે નક્કી નથી. લાડકી બહિન યોજના માટે સરકારે સબસિડી માટે ફાળવવામાં આવેલું ભંડોળ વાપરવું પડશે.
ગડકરીના આ નિવેદન બાદ શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર પર હુમલો કરતાં જણાવ્યું હતું કે, ગડકરીએ ઉઠાવેલો મુદ્દો એકદમ યોગ્ય છે. જ્યારે સરકારની તિજોરી નાણાંની ખેંચ અનુભવી રહી હોય અને સરકાર અન્ય યોજનાઓ બંધ કરી રહી હોય ત્યારે શું કેન્દ્ર સરકારની કોઈ જવાબદારી નથી?SS1MS