લાલદરવાજા સ્વિમિંગ પુલના લીકેજ માટે બે વખત કામ થયા: પરિણામ શૂન્ય
કોન્ટ્રાક્ટરોને રૂ 32 લાખ ચૂકવાયા : રફીકશેખ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર સામાન્ય બાબત બની ગયો છે આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેટર કે જાગૃત નાગરિકદ્વા રા ફરિયાદ કરવામાં આવે તો પણ તેની કોઈ જ તપાસ થતી નથી.
ચોંકાવનારી બાબત એ છે કે ગંભીર ગેરરીતિઓ અને કૌભાંડમાં વિજિલન્સ તપાસ ની માંગણી કરવામાં આવે તો પણ વિજિલન્સ વિભાગ દ્વારા ફાઇલ અભરાઈએ મૂકવામાં આવે છે અને ભ્રષ્ટાચારને છાવરવામાં છે. આવી જ સ્થિતિ કે કૌભાંડ લાલદરવાજા સ્વિમિંગ પુલ ના લીકેજ રીપેરીંગ કામમાં જોવા મળ્યા છે. જ્યાં ચાર વર્ષમાં બે-બે વખત કામ અને પેમેન્ટ થયા બાદ પણ પરિણામ શૂન્ય છે.
મ્યુનિસિપલ કાઉન્સીલર રફીકશેખ ના જણાવ્યા મુજબ લાલ દરવાજા સ્નાનગરમાં લીકેજિસ નું કામ ચાલુ કરવામાં આવ્યું છે. આ અંગે મેં 4 માસ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તેમજ વિજિલન્સ ખાતામાં પત્ર પાઠવ્યો હતો. આ કામ માટે 2021-22 માં 25 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં 7% લેસ પ્રમાણે કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા 18 થી 20 લાખનું કામ કરી બિલ ચૂકવવામાં આવ્યું હતું.
ત્યારબાદ પણ પ્રોબ્લેમ યથાવત રહેતા ફરી બીજા કોન્ટ્રાક્ટરને 2024 માં 10 લાખનો વર્કઓર્ડર એ જ કામ માટે આપવામાં આવ્યો હતો. જેમાં તેણે લીકેજિસનું કામ કર્યું પરંતુ લીકેજીસ બંધ ન થતા ત્યાં એક ઝાપો બદલ્યો અને અન્ય પરચુરણ નાના મોટા કામો કર્યા હતા. તેને પણ દસ લાખ ઉપરાંતની રકમ ચૂકવવામાં આવી. આ રીતે લીકેજ બંધ કરવા માટે કુલ ૩૨ લાખ જેટલી માત્ર રકમ બે કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવ્યા.
આ સમગ્ર ગેરરીતિ મામલે જમાલપુર વોર્ડના એન્જિનિયર વિભાગ પાસેથી એમબી બુક એટલે કે મેજરમેન્ટ બુક તેમજ 311 મુજબ તેના ફોટોગ્રાફ કે જેમાં તેમણે કામ કરેલા હોય તેના પુરાવા માંગ્યા છે પરંતુ મને આજ દિન સુધી તે અંગે ની વિગત આપવામાં આવી નથી.
અને અધિકારી દ્વારા તે વિગતો છુપાવવામાં આવી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે તેમાં ભ્રષ્ટાચાર થયો હોય છે. આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિજિલન્સ ખાતાને પણ પત્ર લખ્યો છે. તેમજ તો રિટાયર જજ દ્વારા તપાસ કરવા માટે માંગણી પણ કરી છે.