અમદાવાદમાંથી ઝડપાયેલા ડ્રગ્સનું ગેંગસ્ટરના સંબંધી સાથે કનેકશન
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ડ્રગ્સનું દૂષણ એટલી હદે વધી ગયું છે કે તેને ખતમ કરવું લગભગ અશક્ય છે. પોલીસ તેમજ એજન્સીઓ ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ કેટલાક માસ્ટરમાઈન્ડ એવા છે કે જે પોલીસના બાતમીદાર બનીને પોતાનો કારોબાર ચલાવી રહ્યા છે.
ગુજરાત એટીએસની ટીમે થોડા દિવસ પહેલાં લાલ દરવાજા પાસેથી ર૭ લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. આ ડ્રગ્સકાંડમાં માસ્ટર માઈન્ડ ગેંગસ્ટરનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. અંડરવર્લ્ડ સાથે કનેકશન રાખનાર અમદાવાદના ગેંગસ્ટરનો ભત્રીજો કપોલીસનો બાતમીદાર બનીને ડ્રગ્સનું સામ્રાજ્ય બેરોકટોક ચલાવતો હતો. એટીએસની ટીમે સમગ્રકેસમાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
ગુજરાત એસટીએસની ટીમે લાલ દરવાજા જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી ર૭ લાખની કિંમતનું એમડી ફરહાન નામના ડ્રગ્સ માફિયા પાસેથી ઝડપી પાડયું હતું. બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે લાલ દરવાજા ખાતે ઓપરેશન પાર પાડયું હતું.
ફરહાનની ધરપકડ બાદ કોટ વિસ્તારમાં એમડી ડ્રગ્સનો ધંધો કરતા મોટા માથા અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા જ્યારે કેટલીક શંકાસ્પદ વ્યક્તિને એટીએસ કચેરીમાં પૂછપરછ માટે બોલાવાઈ હતી. ફરહાન વર્ષોથી ડ્રગ્સનો ધંધો કરતો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી તે બેરોકટોક પોતાનો કારોબાર ચલાવતો હતો.
નશામાં ગુજરાત કે પછી ઉડતા ગુજરાત આ વાત કહેવી કાંઈ ખોટી નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત ગુજરાતના ખૂણેખૂણે ડ્રગ્સનો કારોબાર એટલો બધો વધી ગયો છે કે જેના કારણે યુવાપેઢી બરબાદ થઈ રહી છે. ફરહાન લાલ દરવાજા હનમાન ગલીમાં રહેતો હતો અને તેની બાતમીના આધારે ધરપકડ કરી લેવાઈ છે. ફરહાનની ધરપકડ બાદ મોટા માથાની સંડોવણી સામે આવી છે. ફરહાનનો આકા વસીમ અમદાવાદના એક ગેંગસ્ટરનો સંબંધી થાય છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર અંડરવર્લ્ડ ડોન અબ્દુલ લતિફના સમયમાં પોતાની ગેંગ ચલાવતા એક ગેગસ્ટરનો ભત્રીજો તેમજ સંબંધી વસીમ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા હતા. એટીએસની ટીમે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વસીમ અને ફરહાન પોલીસ તેમજ એજન્સીઓની આંખમાં ધૂળ નાંખીને ડ્રગ્સનો ધંધો ચલાવતા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે લાલ દરવાજા હનુમાન ગલી ખાતે રહેતો ફરહાન નામનો યુવક એમડી ડ્રગ્સ વેચી રહ્યો છે. બાતમીના આધારે એટીએસની ટીમ વોચ ગોઠવી હતી અને ફરહાન નામના યુવકની અટકાયત કરી લીધી હતી. ફરહાન પાસેથી પપ ગ્રામ જેટલો સફેદ પાઉડર મળી આવ્યો હતો.
એટીએસની ટીમે તાત્કાલિક એફએસએલની ટીમને બોલાવી લીધી હતી. એફએસએલની ટીમે સફેદ પાઉડરનું પરીક્ષણ કરતાં તે એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો ફરહાન ડ્રગ્સ માફિયા તરીકે પંકાયેલો છે. ફરહાન અગાઉ ચરસનો ધંધો કરતો હતો જેમાં તેની ધરપકડ થઈ હતી. ચરસના કેસમાં ફરહાન દસ વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહીને આવ્યો હતો. જેલની સજા પૂરી થયા બાદ ફરહાન બહાર આવ્યો હતો અને તેણે એમડી ડ્રગ્સનો ધંધો શરૂ કરી દીધો હતો.