લલિત ઝાએ તમામ સાથીના મોબાઈલ બાળી નાખ્યા હતા
નવી દિલ્હી, સંસદમાં સુરક્ષા ચૂક મામલે રોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
આ સ્મોક બોમ્બ એટેકની ઘટનાનો માસ્ટરમાઈન્ડ લલિત ઝા દિલ્હી પોલીસ સમક્ષ સરેન્ડર કરી ચૂક્યો છે.
આ સૌની વચ્ચે પોલીસના સુત્રોએ જણાવ્યું કે લલિત ઝાએ રાજસ્થાનના કુચામન પહોંચ્યા બાદ તેના મિત્ર મહેશ સાથે મળીને તમામ સાથીઓના મોબાઇલ ફોન આગને હવાલે કરી દીધા હતા.
ઘટના પહેલા તમામ ચાર આરોપીઓએ તેમના મોબાઇલ ફોન લલિતને સોંપી દીધા હતા જેથી મહત્ત્વપૂર્ણ વિગતો પોલીસના હાથમાં ન આવે કેમ કે આ લોકોને પહેલાથી જ ધરપકડની આશંકા હતી. જાેકે દિલ્હી પોલીસે ઝાના તમામ દાવાની પુષ્ટી પણ કરી છે.
ઝા પણ સંસદની બહાર સ્મોક બોમ્બ એટેક વખતે હાજર હતો અને તેણે ઘટનાના વીડિયો પણ બનાવ્યા હતા જેથી તેને શેર કરી શકે. કુચામનમાં લલિત ઝાની મુલાકાત મિત્ર મહેશ સાથે થઇ હતી અને તેણે જ ત્યાં એક રૂમ પણ અપાવ્યો હતો.
આ બંનેની મુલાકાત ફેસબુકની મદદથી થઇ હતી. ઝાએ પૂછપરછમાં આ માહિતી આપી. પોલીસે કહ્યું કે લલિત ઝા પોતે જ પોલીસ સ્ટેશને આવી ગયો હતો. તેના પછી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. SS2SS